પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લીલુભાઈ શેઠ
149
 

ભરી, નવાણું-નવાણું વરસને પટે આપને ફાવે તેવા દરો વધારવાની સત્તા સાથે પ્રજાને નળો પૂરા પાડવાનાં કામ કઢાવી આવ્યા છો; એને આપ પ્રજાનું હિત કહો છો ?”

કશો પ્રત્યુત્તર ન મળ્યો.

“ને આવી આવી મલિન રીતથી આપે કેટલી ઇસ્કામતની જમાવટ કરી છે, સાહેબ ?”

સાંભળી સાંભળીને લીલુભાઈ સળગી ઊઠતા હતા. પરંતુ શામળના વેદનાભર્યા ચહેરા તરફ જોતાં જ એનો ગુસ્સો થીજી જતો. એણે આટલું જ કહ્યું : “છોકરા, હું તને ફરી વાર કહું છું કે તું બાળક છે. દુનિયાદારીનું તને ભાન નથી. તું સમજ, કે જો કંટ્રાક્ટ ન લેત, તો હું નહીં ને મારો કોઈ ભાઈ આવીને એ હાથ કરત. એ તો બધી મૂડીની હરીફાઈ છે, ભાઈ મારા !”

“મૂડીની હરીફાઈ !” શામળને નવું તત્ત્વ લાધ્યું, “એટલે કે આ તમામ પૈસા માટેની જ મારામારી છે, તમારાથી બની શકે તેટલું તમે પણ પડાવો છો, એમ જ ને !”

“વારુ, એમ કહો તો પણ ચાલશે.”

“ને આપ શું એમ માનો છો કે તમારા પક્ષના લોકોનો આટલો સ્વાર્થ સાધવાથી તમારી ફરજ પૂરી થાય છે ?”

“હા – મને એમ જ લાગે છે.”

થોડી વાર ખામોશી પકડીને પછી શામળે ધીરે અવાજે કહ્યું : “હવે મને પૂરેપૂરું સમજાયું. ફક્ત એક જ વાત હું નથી સમજી શકતો, શેઠસાહેબ !”

“શી વાત ?”

“કે તો પછી આપ ધર્મસમાજમાં શીદ રહ્યા છો ? આ પૈસાની મારામારીને પ્રભુની સાથે શી લેવાદેવા છે ?”

“છોકરા !” લીલુભાઈએ કહ્યું, “આ વાતચીત કરવાનું કશું ફળ હું જોતો નથી.”