પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રુખસદ
153
 

થોડા દિવસ પણ પેટપૂરતું ખાવાનું પામવાથી તેજુના ગાલના ખાડા બુરાઈ ગયા હતા. એણે ફરીને માને પૂછ્યું : “હેં માડી ! ભાઈએ બરોબર કર્યું, ખરું કે નહીં ?”

“ખરું, માડી !” મા ઠંડે સ્વરે બોલી, “પણ આમાંથી કાં’ક ફાટકો બોલશે ખરો. ને એમાંય જો વિનોદબહેન ખિજાશે, તો તો બાપ, તારી નોકરી જાશે.”

માએ આ વાત કહી ત્યારે તેજુ ને શામળ સામસામાં તાકી રહ્યાં. એ વાત તો એમને યાદ જ નહોતી આવી.

“નહીં, તેજુબહેન !” શામળ બોલી ઊઠ્યો, “તારું આમાં કામ નથી. મને એકલાને જ મારું ફોડી લેવા દે.”

“ના ભાઈ, એમ કાંઈ હોય ? તમારે એકલાને જ કાંઈ કાયમ દુઃખ વેઠવાનું હોય ?”

“પણ તેજુ,” માએ કહ્યું, “તારી ચાકરી જાય તો આપણે ખાશું શું ?”

ફરી વાર શામળ ને તેજુ ફાટી આંખે જોઈ રહ્યાં.

“સાચું છે, તેજુબહેન,” શામળે કહ્યું, “હું તને મનાઈ કરું છું. તારે આમાં પડવાનું જ નથી.”

લુછ લુછ કોળિયા ઉતારી જઈને શામળ પ્રાર્થનામંદિરે પહોંચી ગયો. પણ આજે એના પ્રાણમાં ઉલ્લાસ નહોતો. અત્યાર સુધી એને મન એ પ્રભુની સેવાનું કાર્ય હતું, પણ હવે તો એ સમજી ચૂક્યો હતો કે પોતે લીલુભાઈની અને દેસાઈસાહેબ હરિવલ્લભની જ ચાકરી ઉઠાવી રહ્યો છે.

કમિટીની બેઠકને થોડી વાર હતી. ધર્મપાલજીએ શામળને પોતાની ઑફિસમાં બોલાવ્યો. દીપડો બકરા પર છલંગ મારે તેમ એ શામળ પર તૂટી પડ્યા : “શામળજી ! આ નહીં ચાલી શકે.”

“શું ?”

“આ વર્તન અસહ્ય છે. હમણાં જ મારા સાળા આંહીં આવીને