પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘ચોર છે ! ચોર છે !’
169
 

સમજાવીને કહ્યું:

“જા, બેસી જા ચાના બે કપ ચડાવીને. હાથોહાથ લખી કાઢ. હું પણ એક બીબાં ગોઠવનાર મજૂરમાંથી પચ્ચીસ વરસે ઘરનું પ્રેસ કરીને બેઠો છું. મને પણ તારા જેવી વીતી છે.”

વાળુ કર્યા વિના જ બેઉ બેસી ગયાં. તેજુ ગોઠવતી જાય, શામળ ચીપી ચીપીને અક્ષરો લખતો જાય. આજુબાજુનું કોઈ પાડોશી કે રસ્તે ફરતો રોનવાળો પોલીસ પણ વહેમ ન ખાય, એવી ચુપકીદીથી બેઉ જણાંએ કામ ચલાવ્યું. ઉપરાઉપરી ઘણી રાતના ઉજાગરાને લીધે કેટલીક વાર તો એને ઝોલાં આવે, પેનસિલ હાથમાંથી પડી જાય, પાછી તેજુ જગાડે. બેબાકળો શામળ પ્રથમ તો ‘શું છે ?’ એવો સવાલ કરે, પછી એ વિસ્મરણનો પટ ખસી જતાં ફરીથી લખવા લાગે.

સવાર પડ્યું. ત્રણસો કાપલીઓનું બંડલ વાળી, બાંધીને શામળે બગલમાં માર્યું; મોં જેવુંતેવું ધોઈને પ્રાર્થનામંદિરને બારણે જઈ પહોંચ્યો.

અંદર બજી રહેલાં વાદ્યોનું સંગીત અને પ્રભુસ્તવનના મીઠા સ્વરો શામળને શ્રવણે પડ્યા. દરેક વખતે પોતે કેવો એકધ્યાન બનીને સાંભળતો, સહુ ગાતાં તે સાથે પોતે પણ પોતાનો કંઠ કેવો ઠાલવતો ! શો સ્વર્ગીય આનંદ એના અંતરમાં તે વેળાએ લહેરાતો ! કોઈ કોઈ વાર તો વિનોદિની પણ ઓર્ગન બજાવતી ગાતી : કયું સ્તવન ખાસ ગાતી ?

દરશન દેના પ્રાન પિયારે !
નંદલાલ મોરે નયનોંકે તારે
દરશન દેના પ્રાન પિયારે !

એ સાંભળતો સાંભળતો શામળ આંસુ વહાવતો. આજેય આંસુની ધારા તો છૂટી – પણ જુદી લાગણીમાંથી : આજે એને એ સંગીત પર હક નહોતો. એ ચોર બનીને સાંભળતો હતો !

તે પછી ધર્મપાલજીના વ્યાખ્યાનના બુલંદ ધ્વનિ ઊઠ્યા. શામળને થયું કે પોતે બહેરો હોત તો સુખી થાત; આ શબ્દછલની છૂરીઓ ન ખાવી પડત.