“તમારા ભેજામાં આ કોણે ભર્યું ?”
“પણ એ બધાં સમહક્ક સમાજના મેમ્બરો છે ને ?”
વકીલ ખડખડાટ હસી પડ્યા : “પણ સમહક્ક સમાજ વિશે આ બધું કોણે ભરાવ્યું છે તમને ?”
“મેં શેઠિયાઓના ઘરમાં એવું સાંભળ્યું છે.”
“સબૂરી રાખીને ધીમે ધીમે પારખજો ને !” વકીલે હસીને કહ્યું.
“પણ તમારા સમાજમાં આવી આચારની છૂટમાં માનનારાં છે ખરાં ?”
“ભાઈ, અમારા સમાજમાં તો ભૂતપલીતમાં માનનારાં પણ છે; સૂર્યચંદ્રથી મનુષ્યો જમ્યા એવું માનનારાં પણ છે. એમાં અમારો શો ઈલાજ ? અમારું તો સામાજિક અને શહેરી હક્કો માગનારું મંડળ છે. અમારે તો, ભાઈ, રોટલીનો સવાલ છે. એમાં સંમત હોય તે હરકોઈ મેમ્બર થઈ શકે – પછી ભલે એ મેલડીને પૂજે !”
“તમે ધર્મમાં – પ્રભુમાં નથી માનતા ?”
“અમારે ધર્મ સાથે કશી લેવાદેવા જ નથી. દરેક મેમ્બર ફાવે તે ધર્મ પાળે, કે ન પાળે.”
“પણ તમે આ બધો રાજવહીવટ તોડી પાડી અંધાધૂંધી મચાવવા માગો છો, એ સાચું ?”
“બિલકુલ જૂઠું. ઊલટાનું અમે તો એ તમામ તંત્ર ખૂબ મજબૂત ને મક્કમ બનાવવા માગીએ છીએ. ને તેથી જ તે તંત્રને મૂડીદારોના પંજામાંથી છોડાવવા મથીએ છીએ.”
“પણ ત્યારે તમે માનો છો શી શી વાતો ?”
પછી વકીલે વિસ્તારથી આખું તત્ત્વ સમજાવ્યું : “ખેડૂતો, કારીગરો ને મજૂરો ભણેગણે, પોતાનું સંગઠન કરે, ને જતે દહાડે આ જમીનો, ખાણો, રેલવેઓ, કારખાનાં વગેરે તમામ સંપત્તિ અક્કેક વ્યક્તિની મટી લોકસમસ્તની માલિકીની થાય, તો સહુને ધંધો મળે, રોજી મળે, મહેનતનું પૂરું મહેનતાણું મળે, અને ઉદ્યમ કર્યા વિના એકપણ માનવી જીવી ન