પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
10
સત્યની શોધમાં
 

 “આમ વાપરવા માંડીશ તો ખીસાનો ભાર વહેલો હળવો થશે, હો યાર ! કસબ નથી આવડતો કે ?”

“શાનો કસબ ?”

“હમણાં આંહીં માલગાડી નીકળશે, ટાંકી પાસે પાણી લેવા ઊભી રહેશે. ઉઘાડા ડબામાં ખાબકી પડજેને ! બેવકૂફ હોય તે ગાડીભાડું ખરચે.”

“મારાથી તો એ ન બને.”

“બંદાએ તો એ જ રીતે આખા દેશની ‘ખુદાબક્ષ’ મુસાફરી કરી છે. બહુ સધ્ધ શીદ થા’છ,દોસ્ત ?”

શામળને એ સાધુવેશધારી ભાઈબંધની વાતોમાં ભારી રસ પડ્યો. એના સાહસના જુસ્સામાં જરી વાર પોતે રંગાઈ ગયો. પોતાને પણ લાગ્યું કે છ રૂપિયા ને બાર આના કાંઈ નાનીસૂની રકમ નથી. એક જ દિવસમાં પોણા સાત રૂપિયા ફના કરવાની બેવકૂફી એને બાવાજીએ બરાબર સમજાવી.

ત્યાં તો માલગાડીના થડકાર ગાજી ઊઠ્યા. શામળનું કલેજું પણ થડક થડક થઈ રહ્યું. બન્ને જણા ટાંકીની પાસે ઝાડના ઝુંડમાં લપાઈ ગયા. જુવાન બાવાએ કહ્યું : “મોખરે પેસેન્જરના ખાલી ડબા હોય છે તેમાં ચડી બેસવું. પછી પાટિયા નીચે પેસીને સૂઈ જવું દોસ્ત ! વહેલું આવે નવીનાબાદ.”

પરંતુ માલગાડી પાણી લેવા ન થોભી; માત્ર વાંક વટાવવા સારુ ધીમી પડી. બાવાજીએ કહ્યું : “માર ઠેક, દોસ્ત !” એટલું બોલતો જ એ બાવો ઠેક્યો, ગાડીનો સળિયો ઝાલી લીધો. ડબામાં પેસી ગયો. વંટોળમાં એ અદૃશ્ય બન્યો. પણ શામળની છાતી ન ચાલી. ગાડીની ગતિ એને ભયાનક લાગી. એક પછી એક ડબો પસાર થતો ગયો તેમ તેમ એને શરમ ઊપજી : હાય હાય ! પેલાએ કર્યું અને હું ન કરી શકું ? હું શું નામર્દ ?

એણે છલંગ મારી, પણ એ હતો આખો ડબો. બારણું ઉઘાડું હતું.