પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અદાલતમાં
25
 

વહાલી બાની છબી પણ એમાં રહી !

ને બીજી શોધ એ રાતે શામળે આ કરી – બેકાર અને ભૂખ્યા પેટે રઝળનારાઓને ઠેકાણે પાડવા સારુ જ શહેરમાં આ તુરંગવાસનો બંદોબસ્ત કરવામાં આવેલો છે.

રડતાં રડતાં એ એકાએક થીજી ગયો. બાજુની કોટડીમાંથી એને કાને એવી કારમી ચીસો પડી, કે જે ચીસોમાં કાળા માથાના માનવી કરતાં કોઈ બિલાડી જેવા પશુનો જ અવાજ લાગે. શામળ સાંભળી રહ્યો, એનું અંતર દળાતું રહ્યું.

“હવે ચૂપ કર, રાંડ ડાકણી !” તુરંગની પરસાળમાંથી પહેરેગીરની ત્રાડ પડી. શામળ સમજ્યો કે કોઈ ઓરતના કંઠમાંથી એ ચીસો ઊઠે છે. ને પહેરેગીરના એ સંબોધને તો પેલી ઓરતની જબાનનાં તમામ તાળાં ઉખેડી તોડી નાખ્યાં. એ સ્ત્રીના કંઠમાંથી ગાળો અને ચીસોના ધોધ વહેતા થયા. ગામડિયા છોકરાએ અવતાર ધરીને અગાઉ એક પણ વાર આવી ગંદી વાણી સાંભળી નહોતી. માનવજીવનની અંદર આટલી ગંદકીના ગંજ સંઘરાયા હશે એવી શામળને ગમ જ નહોતી. જાણે કોઈ ઊંડી ગટર – કોઈ ખાળકૂવો ફાટી નીકળેલ છે; અને એ બધી બદબો ઝરતી હતી એક ઓરતના હોઠ વચ્ચેથી ! જિંદગીમાં જોયેલ-સાંભળેલ તમામ સુંદરતાને અને પવિત્રતાને જાણે આ દશ મિનિટના નરક-ધોધે ગંધવી નાખી.

દરમિયાન શામળ પોતાના શરીરની ચામડી ચિરાઈ જાય તેટલા જોરથી ખંજવાળી રહ્યો હતો. એને રૂંવે રૂંવે કશાક ચટકા ભરાતા હતા. ખંજવાળી ખંજવાળીને બળતરાની લાય લાગતાં એને સૂઝ્યું કે પોતે ચાંચડમાંકડ, જૂ અને જૂવાથી ભરેલ એક પથારીમાં પડ્યો હતો. ઠેકીને એ કોટડીની વચ્ચોવચ જઈ પડ્યો. જીવનમાં અગાઉ કદી આવી વલે નહોતી થઈ. એનું ગામડિયું ઘર માટીનું છતાં ચોખ્ખું, ગૌમૂત્ર છાંટેલું, લીંબડાની ધુમાડીથી રોજ સાંજે વિશુદ્ધ થતું હતું, તેને બદલે અહીં એની તમામ લાઇલાજી વચ્ચે એને તુરંગની કાળી કોટડીમાં જીવડાં ભક્ષી