પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
50
સત્યની શોધમાં
 

હરોળમાં એણે આ ફાટફાટ તરુણતાવાળી મદિરાક્ષીને તપાસી. શામળે જગત પર મૂર્તિમંત વિજય નીરખ્યો.

“હલ્લો, દિત્તુભાઈ !” તરુણીએ ટૌકો કર્યો.

“આવો, વિનોદબહેન !” એમ સન્માનીને શામળને એણે કહ્યું : “આ મારા મામાનાં દીકરી વિનોદિની. વિનોદ, આનું નામ શામળજી છે.”

એણે શામળ તરફ મદભર નિગાહ નાખી. એની ગતિમાં ચપળતાના ચમકારા હતા. એનાં અંગોની પ્રત્યેક ક્રિયામાંથી જાણે આગિયાની પાંખના તેજ-ઝબૂકાટ ઊઘડબીડ ઊઘડબીડ થાય છે. થનગનાટ, અધીરતા, આકાંક્ષા, તાલાવેલી અને તૃષા જાણે એના સ્વભાવમાં ઝગમગે છે. એના કંઠમાં સત્તાનો અવાજ છે. એક જ મીટમાં માપી લઈ શકાય કે આ સુંદરી આજ્ઞાઓ છોડવાને જ સરજાયેલી કોઈ મહિષાસુરમર્દિની છે.

“વિનોદ !” આદિત્યે કહ્યું, “આજ તો મારે જીવસટોસટનું સાહસ બની ગયું. મારો જાન આણે જ બચાવ્યો.”

વિનોદિનીનાં નેત્રોમાં પોતાના અણમૂલા, આત્મજનને ઉગારનાર પાત્ર તરફ કુતૂહલ ચેતાયું : “સાચે જ ?”

“સાચે જ,” એમ કહીને આદિત્યે આખો પ્રસંગ વર્ણવ્યો. “પછી તો, વિનોદ, આ શામળે જ મને બચાવ્યો.”

“શી રીતે ?”

“ઓહ ! ગજબ છાતી ! બસ મર્દબચ્ચો ઘોડાને બાઝી જ પડ્યો. પોતાના છૂંદા થઈ જવાની પરવા જ એણે ન કરી. શી હિંમત ! શી છાતી !”

– ને પછી તો એ તરુણીનાં નેત્રોની મદીલી મીટ સામે શામળ ભાનભૂલ્યા જેવો થઈ રહ્યો.

“વાહ ! કેટલું સરસ ! ક્યાંથી આવો છો તમે ?” સુંદરીએ શામળને પૂછ્યું.

“અરે વિનોદ, એ બાપડા તો હજુ એને ગામડેથી જ ચાલ્યા