પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
52
સત્યની શોધમાં
 

 “વારુ !” આદિત્યે કહ્યું, “તો તમે સૂચવો.”

“મને ખબર નથી, પણ કશુંક સુંદર કામ આપો. તમને ફૂલોનો શોખ છે કે નહીં, શામળજી ?”

“જી હા.”

“બસ, તો પછી એમને આખી વાડીનો વહીવટ સોંપો.”

એ રીતે શામળનું ભાગ્યનિર્માણ એ સુંદરીની જીભ પર નક્કી થયું. પોતાને કોઈ અપ્સરાની સૃષ્ટિમાં વાસ મળ્યો હોય એવા હર્ષાવેશમાં શામળ ઘર તરફ ત્વરિત પગલે ચાલ્યો. આ નવા આશ્રયદાતાએ એને રૂપિયા દસની નોટ આપેલી તેમાંથી એણે પોતાને સારુ નવો પોશાક લીધો, અને તેજુના કુટુંબ સારુ પણ કેટલાંક મીઠાઈ વગેરેનાં પડીકાં બગલમાં માર્યાં.

નાનાંમોટાં બચ્ચાં, તેજુ અને એની મા, આખુંયે કુટુંબ ડાચાં ફાડીને શામળના તે દિવસના અનુભવની વાત સાંભળી રહ્યું, ને જ્યારે છેલ્લે વિનોદિનીની વાત આવી ત્યારે તો તેજુ ચકિત બની ગઈ : “વિનોદબહેન ? સાચે જ શું વિનોદબહેન તમને મળ્યાં ?”

“હા, તું એને ઓળખે છે ?”

“ના, પણ મેં એને જોયેલ છે.” કોઈ અજબ જીવનપ્રાપ્તિની વાત કરતી હોય તેવી રીતે તેજુ કહી રહી હતી, “બે વાર જોયાં છે.”

“ખરેખર ?”

“હા, એ અમારા મજૂર-સંઘની મુલાકાતે આવેલાં.”

“એ મજૂર-સંઘના સભાસદ છે ?”

“ના, એમનો ‘દરિદ્ર-ઉદ્ધાર-સંઘ’ તો જુદો પેલા બંગલામાં છે. પેલી ભુવનેશ્વર હિલ ઉપર. એ તો બહુ જ સરસ જગ્યા છે. શ્રીમંતો તો ત્યાં જ જાય છે. પણ એમને એક વાર અમારા મજૂર-સંઘના મેળાવડામાં પ્રમુખ તરીકે લાવેલા ને એમને હાથે ભેટો વહેંચાયેલી. આહા ! શી સુંવાળી ને ફરફર થતી એની સાડી હતી ! આપણે સ્વપ્નમાં જોઈએ તેવી હો કે ! શાં એનાં રૂપ ! એના અંબોડામાં ગુલાબ હતું, ને શી એનાં કપડાંમાંથી