પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહેફિલ
59
 

રટતો હતો. અનેક કારમી આફતો અને મુસીબતોમાંથી પોતે એને પોતાની વીરતા વડે ઉગારી લેતો હોય એવાં સોનેરી સ્વપ્નાં સેવતો હતો. એવી ભવ્ય કલ્પનાઓનું એક સુંદર જગત એ પોતાના અંતરમાં સર્જી રહ્યો હતો. તે દિવસ એને પહેલી જ વાર પોતાના ધંધા પર કંટાળો જન્મ્યો. હાય ! રોજિંદી એકધારી ક્રિયામાં અદ્ભુત સાહસને સ્થાન જ ક્યાં હતું ! હું શી રીતે બતાવું કે મારા હૈયામાં શું શું ઊછળી રહ્યું છે ? અરે, હું એની મોટરનો શૉફર હોત ને ! અથવા એને પહાડો-જંગલોમાં પંથ દેખાડનાર ભોમિયો હોત ! અથવા એની પેલી છૂરી-આકારની નાજુક નૌકાનો નાવિક હોત ! આ એ-નાએ રોજિંદા ઘસડબોળામાં મારા જીવનની અદ્ભુતતા દટાઈ જશે તો ? મારા મનોરથોનો મહાસાગર શાંત પડી, થીજી જશે તો ?

એવા ઉચાટ અને ફડફડાટ વચ્ચે એના ભાગ્યપરિવર્તનનો એક દિવસ આવી પહોંચ્યો. નવીનાબાદ ગયેલા દિત્તુભાઈ એક સાંજે ઓચિંતા ઘેર આવી પહોંચ્યા. શામળને હંમેશાં એવી વરધી હતી કે નાના શેઠ ઘેર હોય ત્યારે એના ખંડમાં મૂકવા સારુ ફૂલોની ડાલી તૈયાર કરી મોટા માળીને આપવી. આજ મોટો માળી ઘેર નથી. શામળ મોકો દેખી પોતે જ ફૂલો વેડી અંદર બંગલા-અધિકારીને આપવા ગયો, ત્યાં એ દિત્તુભાઈ સાથે ભટકાઈ ગયો. નાના નોકર તરીકે પોતાનો દરજ્જો સાચવી એણે તુરત ચાલ્યા જવું જોઈતું હતું. પણ દરજ્જો ન સમજનાર શામળ ઊભો રહ્યો. દિત્તુભાઈએ પૂછપરછ કરી : “કેમ શામળ ! કેમ છો ? ફાવે છે કે ?” વગેરે વગેરે.

ત્યાં તો ‘હૉર્ન’ વાગ્યું, ને બગીચામાં એક જબ્બર લાલ મોટર દાખલ થઈ. મોટરમાં બેઠેલાંઓ ‘હલ્લો દિત્તુભાઈ!’ કહી હાથ ઉછાળતાં ચસકા પાડવા લાગ્યાં. નાના શેઠનાં એ અતિ નજીકનાં આપ્તજનો લાગ્યાં. મોટરમાંથી હરણાંની માફક ટપોટપ ઊતરી પડીને એ મહેમાનો દોડ્યાં આવ્યાં. દિત્તુભાઈને ઘેરી લીધો. “અરે, તમે અત્યારે અહીં ક્યાંથી ?” કહી દિત્તુએ આશ્ચર્ય દેખાડ્યું.