11
ખૂનનો આરોપ
પોતાના પગ નીચેની ધરતી એને માર્ગ દેતી લાગી, ને જાણે કે પોતે કરેલી અનેક કલ્પનાના કોટ-કાંગરા એ ધરતીની ચિરાડમાં સમાઈ ગયા. પોતે માની લીધેલી ભવ્ય દુનિયાના છૂંદા એ બાઘોલાની પેઠે નિહાળતો સ્તબ્ધ ઊભો રહ્યો. બહાર વરસતી મેહધારા અને વીજળીની ગર્જના જાણે કે એના પોતાના આત્મામાંથી જ અવાજો કરતી હતી.
હવે એ ગામડિયો નહોતો, પાવરધો બની ગયો હતો. બીજું બારણું ખોલીને એ પેલી વરસતી ઝડીમાં પડેલી, પછાડા મારતી મૃણાલિની પાસે પહોંચ્યો; ધીરે સ્વરે કહ્યું: “બાઈસાહેબ !”
“કોણ છે તું ?” સ્ત્રી ચમકી. રાત અંધારી હતી.
“હું આ ઘરનો એક નાનો નોકર છું.”
“તને શું એમણે મોકલ્યો છે ?”
“ના, મારી જાતે આવ્યો છું. ઊઠો, હું તમને મદદ કરવા આવ્યો છું.”
“મારે મદદ જોઈતી નથી. મને અહીં જ મરવા દે.”
“અહીં વરસાદમાં શરદી લાગશે.”
“મારે મરવું છે. મારે હવે જીવવા જેવું શું રહ્યું છે ? મને એણે ફેંકી દીધી છે, ઓ પ્રભુ ! હું હવે ક્યાં જઈશ ? એણે મને ત્યજી. મારા પ્રાણનો આધાર તૂટી પડ્યો. હું એના વિના ક્યાં જઈ જીવીશ ?”
“તમે મારી સાથે ચાલો, બાઈસાહેબ ! ગાંડાં ન થાઓ.”
“મને ગાંડી જ કરી મૂકશે. મારું કપાળ ફોડી નાખ્યું. હું જાણું છું, એ રંડા એને ભૂરકી નાખી જ રહી હતી. હું જાણું છું કે પેલા નૌરંગાબાદના કુમારનાં જ આ કરતૂક છે.”
“ઊઠો, ભલાં થઈને ઊઠો. ચાલો.” શામળે એને ઉઠાડી. એના પર છત્રી રાખીને શામળ લઈ ચાલ્યો. પુલ પાસે આવતાં એણે પૂછ્યું :