પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭

અનેક પ્રકારની ઠઠોલી ચાલતી હતી. શાસ્ત્રી મહારાજ મનમાં મલકાતા, વળી બળતા, અને વળી ફુલાઇને બોલતા કે, “હા, તમે કહો છો તે સત્ય છે. ભાઇએાએ આવીને મને શોભા આપી એ મારાં મોટા નસીબ. અમારા ઘરડા કંઇ જેવા તેવા નહોતા, પાંચ પાંચ સોમયાગ કીધા છે, દશ વારતો લહાણાં કીધાં છે, હજાર હજાર માણસોની ન્યાત જમાડી છે.” વગેરે વગેરે બોલતા ને ઘણા હરખાતા હતા. પણ મનમાં ચિંતા એ થતી હતી કે કંઇ રૂપીયા નહીં મળે એતો ઠીક નહીં. જેઓ આ લગ્નનો મર્મ જાણતા હતા તેઓ તો શાસ્ત્રી મહારાજની ફુલાસ જોઇને ઘણા હસતા હતા.

થોડીવાર પછી વિઘ્નસંતોષીરામે કહ્યું, “ગોકુળરાયજી ક્યાં છે ?”

વિગ્રહાનંદે પુછ્યું, “શું કામ છે ?”

વિઘ્નસંતોષીરામ ચીઢવાઈને બોલ્યા, “તેની સાથ મને કંઇ ખાસ કામ છે, એકવાર ઉતાવળથી બોલાવો તો ખરા.”