પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩

ભાગ આજના લગ્નથી રાજી હતો. આ સર્વે મામલો જોઈને વિઘ્નસંતોષીરામના ડોળા ચકલવકલ થઈ ગયા. તેઓ બુમ પાડી ઉઠ્યા, “રાણી સરકારના કસમ છે, મહારાજા ગાયકવાડની આણ છે. રે જુલમ, જુલમ, મારી સ્ત્રીને લઇ જાય છે, કોઈ ન્યાય કરો, ન્યાય કરો, પકડો, પકડો !”

વિગ્રહાનંદ બોલ્યા, “વિઘ્નસંતોષીરામ, જરા થોભો, જાણવા તો દો કે એ શું ગડબડ છે.”

પણ જેમ જેમ વિગ્રહાનંદ તેને બુમ મારતાં અટકાવે તેમ તેમ તે વધારે બુમ પાડે, તે બોલવા લાગ્યો, “ઓ બાપરે, મને લુટી લીધો, મને મારી નાંખ્યો. ઓ ન્યાતવાળાઓ, તમને મહાદેવની દુવાઈ છે, મારો ઈનસાફ કરો, મારી સ્ત્રી અપાવો.”

ગોકુળરાયજીએ વિગ્રહાનંદનો હાથ પકડી કહ્યું, “શી ગડબડ છે તે જોવા ઇચ્છા છે કે સાંભાળવા ?” વિગ્રહાનંદજીએ કહ્યું, “જોવા ને સાંભળવા બેય.”

રાયજીએ કહ્યું, “તો ચાલો મારી સાથે પાછલા ચોકમાં.”