પૃષ્ઠ:Savita-Sundari.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧

સવીતાશંકરનો બનેવી તેના આ બોલવા૫ર કંઇ બોલ્યો નહીં; તે મુંગોજ રહ્યો. થોડીવાર સવીતા ત્યાં મૌન્ય ધરી બેસી રહ્યો, ને પછી પોતાના બનેવીને કહીને પોતાને ઘેર આવ્યો. તેની તે રાત્રી કેવી વિતિ હશે તે માત્ર અનુમાનથીજ વિચારી લેવું જોઇયે. બીજે દિવસે પ્રભાતમાં ઉઠીને તેણે પોતાના પુસ્તકો ઉઠલાવ્યા, કેમકે હવે પરિક્ષાને ઘણા દહાડા નહોતા. પણ તેનું ચિત પાના પુસ્તકપર ચોંટ્યું નહીં, તેથી તેણે થોડા દિવસની રજા લઈને પોતાને સ્વગામ નડીયાદ જવાનો વિચાર કીધો. પોતાના ગાંસડા પોટલા બાંધ્યા, ને બપોરના ગાડી આવતા તે રેલવેમાં બેઠો. જ્યાં સુધી વડોદરા દેખાયું ત્યાં સુધી તો તે જેમ તેમ ધૈર્ય ધારી રહ્યો, પણ વડોદરા દૃષ્ટિથી દૂર થતા તે વસ્ત્રમાં મેાઢું છુપાવી અશ્રુપાત કરવા લાગ્યો. તેણે નિશ્વાસથી ઘણી લાંબી હાય મારી, ને માત્ર એકવારની આશાથી તેનું અંગ અડધું નંખાઈ ગયું. તેના મનમાં આવ્યું કે વિદ્યાસંપતિ કરતા આજકાળ તો કુળસંપતિ શ્રેષ્ઠ થઇ પડી છે.