પૃષ્ઠ:Savita-Sundari.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪

ઓટલે જઈને બેસતી હતી તેમ પાછી બેસવા લાગી ખરી, પણ તેના બનેવીના ઘરમાં તે ભ્રમથી પણ જતી નહોતી. તે મનમાં પ્રભુની પ્રાર્થના કરતી હતી કે કોઈપણ પ્રકારે તેના લગ્ન સત્પાત્ર વિદ્વાન સાથે તેની માતા કરે. પણ તેના મોઢાની લાલાસ બે ત્રણ દિવસમાં ઉડી ગઇ, તેનું હસવું ઝટપટ ચાલ્યું ગયું, ને ત્રણ ચાર દિવસમાં તો તેનું વર્ણ મલિન થઇ ગયું ને શરીર સુકાઇ ગયું. તેના પિતાએ લખ્યું હતું કે તેઓ એક મહિનાની અંદર યેાગ્ય કુલીન ને સુપાત્ર જમાઇને લઇને વડોદરે આવી પહોચશે, પણ આજ વાત કરતા પાંચ માસ વિતિ ગયા, પણ તેઓએ પાછો પત્ર લખ્યો નહીં, તેમ કશા સમાચાર પણ કહાવ્યા નહીં. ગુણવંતગવરીને પણ ઘણી ચિંતા થઈ હતી, પણ તે બાપડી શું કરે ? તેના મનમાં તો ઘણુંએ હતું કે પુત્રીને યોગ્ય પતિ આપું, પણ જો તે કંઈ લાંબી ટુંકી કરે, ન્યાતિચાલથી વિરૂદ્ધ વર્તે તો ન્યાતવાળા ઘણા હેરાન કરે, ને તે ભયને લીધે તે પણ મૂઢ બની ગઈ હતી.