પૃષ્ઠ:Shobhana.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૦૫
 

સ્વતંત્ર મજૂરવાદ, કિસાનવાદ - બસ, વાદ જ વાદ ! અને વાદ દીઠ અકેક બબ્બે પક્ષો ! પક્ષ પાડવાની હિંદુસ્તાનની કળા અદ્દભુત અને બેનમૂન છે!

‘જી, પણ સારું છે કે આપ તેમ કરતા નથી.'

‘મને ઘણા જણે કહ્યું; પણ હું દેશદ્રોહી ન જ થાઉં.’

'બરાબર છે.’

‘પરંતુ હવે હદ થઈ ગઈ ! હું સતત ખાદી પહેરતો નથી એવો મારા ઉપર આરોપ મૂકી મને મારા નાનકડા અધિકાર ઉપરથી પણ કમી કરવા પ્રયત્ન થઈ ચૂક્યો !’

ખાદીધારી દેશસેવક અને આ મહેલાતનો ઉપભોગ કરનાર આરામપ્રિય સહેલાણી વચ્ચે ભારે ફેર હોવો જોઈતો હતો. એમ પરાશરને લાગ્યું. ખાદી એ સેવાનું પ્રતીક હોય તો તેને ધારણ કરનાર વૈભવમાં લોટતો સુખવાસી તો ન જ હોવો જોઈએ. વિજયરાયના મકાનનો એકેએક તસુ વૈભવ પોકારી રહ્યો હતો.

‘નાની વાતને મોટી ન બનાવવી જોઈએ.’ પરાશરે સહજ સહાનુભૂતિ બતાવી.

‘કહો ત્યારે, સત્ય અને અહિંસા ક્યાં જતાં રહ્યાં ?'

‘હું તો એ બંનેમાં માનતો જ નથી.’

‘એ જુદી વાત છે; પણ હું તમને એકેએક મહાસભાવાદીનો ઈતિહાસ કહું. તમે માનો નહિ એવી કથની હું તેમના જીવનમાંથી કાઢી આપું એમ છું !’

‘સંસ્થાને ખાતર એ બધું જતું કરો છો, એ સારું છે.’

‘પણ હવે તેમ નહિ થાય. મારા વિરુદ્ધ આક્ષેપ ! અને મને દૂર કરવાની ધૃષ્ટતા ! જુઓ, કૃષ્ણકાન્ત એના પત્રની કટારો મારે માટે ખુલ્લી મૂકી છે. જો તમે મને સહાય આપો...’

‘નહિ સાહેબ ! કુહાડીનો હાથો બનવા હું આ વેશ નથી રાખી રહ્યો.' પરાશરે કહ્યું.

‘તમે મને સમજ્યા નહિ. હું તમને તમારા વિચારો દર્શાવવાની તક મળે એમ કરવા માગું છું; નહિ કે હું કહું તેવું જ તમે લખો !’

‘અમારા એક પત્રમાં હું મારા વિચારો દર્શાવ્યા કરું છું.’

'પણ એ વાંચીને જ હું તમને શોધતો આવ્યો છું. મહાસભાને નિર્મળ બનાવવી એ તો મહાત્માજી પણ કહે છે. આપણે સાચી જ વાત કહેવાની છે. '