પૃષ્ઠ:Shobhana.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮: શોભના
 


છતાં ગાંધીવાદના દોષ જોઈ તેમને આગળ કરી નવીન દોષોના પડદા પાછળ ભરાઈ જવાની તેની જરા પણ ઈચ્છા ન હતી. પફ, પાઉડર અને પોમેડની સહાય વડે કામદેવ સ્વરૂપ ધારણ કરી ફરતા અને શરાબની ખુમારીમાં પોતાની બહાદુરીનું પ્રતિબિંબ નિહાળતા નવીન છેલબટાઉઓથી ઊભરાતી શાળાઓ, પાઠશાળાઓ અને શેરીઓ પ્રત્યે તેને ભયંકર તિરસ્કાર ઉત્પન્ન થયો હતો. મહેનત, મજૂરી ને ગરીબીથી ડરતા નવીન યુવાન કાર્યકરો તેને ગાંધીવાદી ખાદીધારીઓ કરતાં પણ વધારે નિષ્ફળ દેખાવા લાગ્યા હતા. નવીન નીતિને નામે, ફાઈડ કે જંગના જાતીય માનસવાદના બહાના નીચે, લગ્નબંધનને તોડવાની બહાદુરીને આશ્રયે જાતીય સુખ શોધી રહેલાં વાસનાભર્યા નવીન હૃદયો માટે તેને જરાય માન ન હતું. તેને સાચી સેવા, સાચો ત્યાગ, સાચી જીવનસરણી જોઈતાં હતાં.

અને એ કારણે જ તેણે ગરીબી અને સાદાઈ સ્વીકારી લીધાં હતાં. તેને પગે ચાલતાં શરમ આવતી ન હતી, પગે ચાલતાં તેને થાકનો ભાસ થતો ન હતો; જોકે વાહન વાપરનાર ઉપર તેને ઘણી વખત રોષ ચઢતો હતો. એ ખરું. ભાસ્કર તેનો જ સાથી તેના સરખી જ ભાવનાવાળો, તેના સરખી જ સેવાની ઉત્કંઠાવાળો હતો; પરંતુ ભાસ્કરની સમૃદ્ધિ અને ભાસ્કરનાં વાહન અનેક વખતના તેના નિશ્ચયોને ડગાવી ભાસ્કરને સુંવાળો, સુખવાંચ્છ અને સ્વાર્થી બનાવી મૂકતાં હતાં તે તેણે પોતાની નજરે જ નિહાળ્યા કર્યું હતું. સુખપૂર્વક જેટલી સેવા થાય એટલી કરવી એવા માનસે ભાસ્કરને ધીમે ધીમે જકડી લીધો હતો તે એણે જોયું, અને અનેક નિશ્વાસો સહ તેણે પુરાવાઓ પણ દીઠા કે ભાસ્કરની ગાડી ગરીબની સેવા માટે, ગરીબના ઉપયોગ માટે વપરાવાને બદલે ભાસ્કરને તેની મિત્ર-યુવતીઓ સાથે ફરવાના કામમાં વધારે આવતી હતી, પોતાને સાથે ન લેતાં શોભનાને એકલીને ગાડીમાં ફરવા લઈ જનાર ભાસ્કર સુખવૈભવથી અધોગતિમાં ઊતરતા એક વર્તમાન યુવકના પ્રતીક સરખો પરાશરને લાગ્યો. ધનિક અને ઉચ્ચ મધ્યમ વર્ગ ગરીબોના કદી બેલી ન બની શકે એની તેને અત્યારે ખાતરી થઈ ચૂકી.

અને રસ્તામાં પગે ચાલતાં પરાશરે ભાસ્કર અને શોભનાને કારમાં ભરાઈને ઝડપથી પસાર થતાં નિહાળ્યાં, ત્યારે તેના હૃદયમાં કાંઈ અકથ્ય દુઃખ થઈ આવ્યું. ગાડીમાંથી શોભનાએ સહજ બહાર નજર નાખી પરાશરને જોઈ લીધો હતો, એથી પરાશરને અદેખાઈ તો નહિ આવી હોય ! અદેખાઈ પણ હૃદયને લોહીવાળું બનાવે છે ! ગરીબોના પક્ષકારથી વ્યક્તિગત અદેખાઈ સેવાય ખરી ?