પૃષ્ઠ:Shobhana.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૧૧
 


જ કુમળો હાથ તેની પકડમાં આવતાં તે સહજ ચમક્યો અને હાથને પકડી રાખી હાથના ધારણ કરનારને જેવા તેણે સહજ પાછળ નજર કરી. તેનાથી બોલાઈ ગયું :

'અલ્યા શંકર ! તું ?'

'ભાઈ સાહેબ ! માફ કરજો, ભૂલ થઈ. હવે કદી એવું નહિ કરું.’ શંકરે જવાબ આપ્યો.

થોડા કલાક પહેલાં “સત્યવાદી"ના તંત્રીએ ગેરહાજરીના કારણે કાઢી મૂકેલા છોકરાનું નામ શંકર હતું. દસબાર વર્ષનો એ બાળક છાપખાનામાં ફેરાઆંટાનું કામ કરતો, પ્રૂફ આપી આવવાનું અને જરૂર પડ્યે. પત્ર વહેંચવામાં ફેરિયાનું કામ કરતો હતો. એના હાથમાં પૈસા મૂકવાની પરાશરને થયેલી તીવ્ર ઈચ્છા પાછી જાગ્રત થઈ.

‘હરકત નહિ, પણ તું જોઈ લે, મારા ખિસ્સામાં કાંઈ નથી.' પરાશરે કહ્યું.

‘ના, ભાઈ ! ના. મારે નથી જોવું.’ શંકર રડવા જેવો થઈ ગયો.

‘જો, રડીશ નહિ. મારી સાથે રહેજે. ભૂખ્યો છે, ખરું ?' પરાશરે શંકરને તેની પાસે ખેંચી પૂછ્યું.

‘ભૂખ્યો તો ઠીક પણ આજે ચાર આઠ આના પણ ન લઈ જાઉં તો મારા કાકા મને મારી નાખે !’ શંકરે આંખ લૂછતે લૂછતે કહ્યું.

પરાશરને થયું કે તેની પાસે ધન હોય તો તેનો ઢગલો કરી આ રડી રહેલા બાળકને તેના ઉપર બેસાડે !

પરંતુ તેની પાસે ઢગલો તો શું પણ ઢગલાની કલ્પના કરવા માટે પણ કાંઈ સાધન ન હતું. ધનિક પત્રકારને ત્યાંથી, ધનિક નેતાને ત્યાંથી, ધનિક મિત્રને ત્યાંથી તે ખાલી હાથે આવ્યો હતો.

‘તું મારી સાથે રહે તો તને કાંઈ અપાવું.’ એક પણ માર્ગ ખુલ્લો ન દેખાયા છતાં પરાશરે આશ્વાસન આપ્યું.

‘પણ... પકડાવી દેશો તો ?’ શંકરને ભય પણ લાગ્યો.

‘મૂરખ છે મૂરખ ! તે ક્યાં કાંઈ લીધું છે ? બીઈશ નહિ, મારી સાથે આવ. પેલી બાઈને આપણે ડૉક્ટર પાસે લઈ જઈએ.’

‘કયા ડૉક્ટરને ત્યાં ?’

‘અહીં પાસે જ મારો જૂનો મિત્ર રહે છે; એ ડૉક્ટર છે.’

‘પણ મને તો શેઠે કાઢી મૂક્યો છે.’

‘હું પાછો રખાવી આપીશ; ચાલ.’