પૃષ્ઠ:Shobhana.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૨૯
 

ડૉક્ટર કુમારે સહુમાં ચૉકલેટ, શીંગ અને પિસ્તાંનાં પડીકાં વેર્યાં, પરાશરે આઈસક્રીમ લેવાની ના પાડી. ભાસ્કરને સહજ બૂમ મારી રંભાએ કહ્યું :

'આ પરાશર આઈસક્રીમ લેતો નથી.’

‘અહીં આ શોભના આઈસક્રીમની ના પાડે છે.' ભાસ્કરે કહ્યું.

‘તો પછી એ બંનેને સાથે બેસાડો.' ડૉક્ટર કુમારે ચમકતી મજાક કરી.

સહુ હસી પડ્યાં. પરાશર ઓછું હસ્યો, તે રંભાએ જોયું. શોભના બિલકુલ ન હસી તે ભાસ્કરે પણ જોયું. શોભના ઉપર તેની ત્રણે બહેનપણીઓની આંખ ચોકી કર્યા કરતી હતી, તેની કોઈને ભાગ્યે જ ખબર પડી હશે. શોભના બહુ હસતી નહિ, તેને હસાવવાના પ્રયત્નો ઘણીવાર નિષ્ફળ નીવડતા; પરંતુ અત્યારની તેના મુખ ઉપરની સખ્તાઈ તેની બહેનપણીઓને જરા વધારે પડતી લાગી.

પાછું અંધારું થયું અને સહુ પડદા તરફ જોવા લાગ્યાં. દૃશ્યનો આ છેલ્લો ભાગ હતો. એટલે તેમાં હૃદયમંથનો વધારે આવે, આંસુ અને વિશ્વાસ ઘડી ઘડી દેખાય અને સંભળાય, અને પ્રેમ જડ શરીરને છોડી હૃદયની ભૂમિએ ઊંચકાય એ સંભવિત હતું. ખરી હૃદયદ્રાવક ક્ષણે રંભા અને પરાશરે ભાસ્કરનો ધીમો અવાજ સાંભળ્યો :

‘ક્યાં જઈશ, શોભના ?’

‘બહાર.’ શોભનાએ કહ્યું.

'કેમ ?'

‘મને રૂંધામણ થાય છે.'

‘હું સાથે આવું છું.’

‘ના, હું એકલી જઈશ.’

ઝડપથી શોભના ચાલી. વિની, કુમાર ને તારિકાને પગે અથડાતી શોભનાને જતી નિહાળી પરાશરે પગ ખુરશી નીચે ખેંચી લીધા, પરંતુ શોભનાને તમર આવ્યાં લાગ્યાં. તે પરાશરનો પગ અડકતાં હાલી ગઈ, લગભગ પડી ગઈ. તેનો એક હાથ પરાશર ઉપર ટેકાયો. પરાશરે તેને ઝીલી લીધી, અને પોતે ઊઠી પોતાને સ્થાને તેને બેસાડવા લાગ્યો.

‘મારે બેસવું નથી.' શોભનાએ કહ્યું.

પરાશરે શોભનાનો હાથ ઝાલી રાખ્યો અને પ્રેક્ષકોને ખરે વખતે ત્રાસ આપી. તેણે શોભનાને ખુરશીઓની હાર વચ્ચેથી આગળ કરી