પૃષ્ઠ:Shobhana.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦: શોભના
 

અને ગ્રામવાસીઓના ઉદ્ધારની ભવ્ય યોજનામાં પોતાની પાસે જ ફરતા કિસાન કે મજદૂરને દાખલ કરવાની ટૂંકી વ્યક્તિગત વાત તેમની દીર્ઘ દૃષ્ટિમાં નથી આવી શકતી. સોમાને લાગ્યું કે તેને સ્વપ્ન આવ્યું હતું. નોકરને સ્વપ્ન પણ બીજાં શાનાં આવે ?

પાંચેક મિનિટ સુધી પ્રેમનિશ્વાસ નાખીને થાકેલા પરાશરે જોયું કે હજી સ્ટવનો સુસવાટ આવતો ન હતો. દુષ્ટ નોકરો ઝડપથી હુકમ પાળતા જ નથી ! અને શોષિત વર્ગની સરમુખત્યારી આવતાં અનેક drives-shocks-વંટોળ સરખા ઝડપી અને જોરદાર સમૂહધક્કા સમાજને આપવા પડશે ! શિસ્તમાં દયા ન હોય.

'પાછો ઊંઘી ગયો લાગે છે, લાત ખાધા વગર એ જાગવાનો નથી.’ એમ મનમાં બોલી પરાશરે સોમાની પાસે જઈ - લાંત તો ન મારી, પરંતુ તેને પગથી ઢંઢોળ્યો.

‘સોમા ! સોમલા !’

‘હા જી, સાહેબ ! ઊઠ્યો.” સોમો ફરી બેઠો થઈ ગયો.

‘ક્યારનો જગાડું છું ને, સુવર ! હજી ઊઠતો નથી ? ચાલ, ઊભો થઈ જા !"

‘હાજી, સાહેબ ! ઊઠ્યો.' ઝબકીને બાર-ચૌદ વર્ષનો નોકર સોમો થઈ ગયો. તે નિદ્રાના ભારણમાં ન હોત તો ઊઠીને તેણે દોડવા માંડયું હોત.

‘ચાલ, જાગ્રત થઈ જા અને ચા બનાવી લાવ.' પરાશરે કહ્યું.

‘ચા.... આપને નથી... આપ્યો ?’ સોમાએ પૂછ્યું. સોમાએ સ્વપ્નમાં ચા તૈયાર કરી માલિકને સંતોષ્યો હતો.

‘ના, તારા જેવા ઊંઘણશીથી ઉઠાય છે ક્યાં ?'

‘હા જી, સાહેબ !' નોકરોએ ગાળને કબૂલી લેવી જોઈએ.

‘જો, પાછો ઊંઘતો નહિ. કીટલી ટ્રેમાં લાવજે. ચાલ, સામું જોયા ન કર.'

‘હા જી, સાહેબ !’ કહી સોમો ટટાર થયો. ઊંઘમાં ઢગલામાંથી પોતાના મનને ખેંચી બહાર કાઢતા સોમાના મુખ ઉપર સહજ સમજણનો પ્રવેશ થયો, અને તેણે પાસેની ઓરડીમાં જઈ સ્ટવ સળગાવ્યો. ભણતાગણતા કુટુંબની ઊજળાશ સરખા પરાશરને તેના સુખી કુટુંબે એકાંત દીવાનખાનું, ઉપહારનાં સાધનો અને ઘરના સઘળા નોકરો ઉપરની માલિકી કૈંક સમયથી આપી રાખ્યાં હતાં.