પૃષ્ઠ:Shobhana.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮: શોભના
 

ભાવ પાથરી દેવા, વાળને બેદરકારીભર્યા ઝોક આપવા, અને વસ્ત્રોના સઢ ઉરાડવા એ વર્તમાન સ્ત્રીજીવનની રમણીયતાનાં અંગો આ આગળ પડતી શાળામાં સારી રીતે ખીલતાં દેખાતાં હતાં. ક્રીમ ઘસી ઘસી મુખમંથનથી ઉપજાવેલી ગોરાશ અને રતાશ, વ્યવસ્થિત કેશવિભાગ, છેલ્લી ઢબના સૂટ અગર છેલ્લી ઢબની સાદાઈ - જેમાં એવી કડકડતી સફાઈ હોય છે કે જે સાદાઈને પણ શણગાર બનાવી દે છે તે, સ્મિત વેરતી સભ્યતા અને સંસ્કારના અતિ ભારથી આવી જતી લચક, એ સઘળાં વર્તમાન પુરુષ જીવનાં સુશોભિત અંગ શિક્ષકોએ પણ સારી રીતે ખીલવ્યાં હતાં. નવીન આવનાર યુવતીને અજાણ્યું ન લાગે એવું વાતાવરણ રચાયલું શોભનાએ અનુભવ્યું, અને પ્રથમ દિવસે જ પ્રાથમિક સંકોચ અનુભવી રહેલી શોભનાને થોડા કલાકમાં તો શાળાના એક સ્વાભાવિક વિભાગ જેવી સહુએ બનાવી દીધી - જોકે શાળાનો સમય પૂરો થતાં ભાસ્કરે આવી શોભનાને પોતાની સાથે કારમાં બેસાડી દીધી, એટલે સ્વાભાવિકતાનો વેશ ધારણ કરતી હલ્લડ શિક્ષિકાઓ અને સ્ત્રીશોભન સૌંદર્ય તરફ વળતા શિક્ષકોની આંખમાં કાંઈક જ્ઞાનની ચમક ચમકી ઊઠી.

‘લોકો આપણી વાત કરશે.’ શોભનાએ ભાસ્કરને કહ્યું.

'કરવા દે; આપણે નહિ તો બીજું કોઈ. લોકોને તો વાત કરવા માટે જોઈશે જ ને ?’ ભાસ્કરે કહ્યું.

‘પણ મારે તો નોકરી કરવી રહી.'

‘તારે નોકરીની જરૂર ન રહે એમ કરીએ તો ?'

'કેવી રીતે?'

‘પછી કહીશ.’

‘ના. આજે જ કહે.’ શોભના અને ભાસ્કર પરસ્પરને એકવચનમાં જ સંબોધન કરવા જેટલી નિકટતાએ ઝડપથી પહોંચી ગયાં હતાં.

'તેં નોકરી માટે વધારે ઉતાવળ કરી.’

‘મારે જોઈતી જ હતી; હું સ્વાવલંબનમાં માનું છું.’

'હજી પણ મોડું થતું નથી.' ભાસ્કરે શોભનાના જવાબને ન સાંભળતા કહ્યું.

‘એટલે ?'

‘હું એક વર્તમાનપત્ર હાથ કરવા ધારું છું.’

‘તેથી શું ?'