પૃષ્ઠ:Shobhana.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦: શોભના
 


'પણ એ કેમ પૂછવું પડ્યું ?’

‘અમસ્તું જ.’ ભાસ્કરે કહ્યું.

ભાસ્કર અમસ્તુ નહોતો કહેતો. ભાસ્કરનો ઉદ્દેશ શોભનાની ધ્યાન બહાર ન હતો. બાળકના વિચારમાંથી એ સંતતિનિયમન ઉપર જ આવતી હતી. એ જ્ઞાનની કોને જરૂર ન હોય ? કુમારિકાઓ, વિધવાઓ, ત્યક્તાઓ, અરે, સ્વાધીનપતિકાઓ પણ આ જ્ઞાનને શું ઈચ્છતી નહિ હોય ?

શોભનામાં ચાંપલાશ હોત કે દેખાવ કરવાની માત્ર વૃત્તિ હોત અગર નીતિઘમંડ હોત કે પતિનું તેને આકર્ષણ હોત તો તે ભાસ્કરને આ પ્રશ્ન ઉપર તરછોડી કાઢત; પરંતુ સ્ત્રીને પણ પુરુષ ગમે છે, અને બધા જ પરપુરુષોને ધોલ કે ચંપલ મારવાની ઈચ્છા થતી નથી, એ શું ? તેમનાં સૂચન અને ઈશારા અનિયંત્રિત હોય તોય ?

કાર ફરી અટકી.

‘તું જરા અહીં બેસીશ ?’

'કેમ ?'

‘હું દસેક મિનિટમાં આવું છું. મારા એક મિત્રને મળી લઉં.’

‘તારો મિત્ર ? અહીં રહે છે ?'

'તે પેલા પરાશરને જોયો ને ? એ કેવી જગાએ રહે છે ? મારે ઘણા મિત્રો એવા છે. મેં તને કહ્યું જ હતું ને કે હું ક્રાંતિમાં માનનારો સામ્યવાદી છું ?'

‘જઈ આવ.'

ભાસ્કર કારમાંથી નીચે ઊતર્યો. અને પાસેના મકાનની એક અતિ સામાન્ય દેખાતી ઓરડીમાં અદૃશ્ય થઈ ગયો.