પૃષ્ઠ:Shobhana.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૬૩
 

ગણાતા આ મજૂરમાં તોફાન કરવા કરાવવાની ભારે શક્તિ હતી એમ મનાતું. જરા જરામાં તે ઉપરીઓ સાથે લડતો, ખોટું લગાડતો, અને બીજાના ઝઘડા પણ વહોરી લઈ તેમને મોટું અને વ્યવસ્થિત સ્વરૂપ આપી દેતો. તે જાતે ઘણો મજબૂત હતો, અને પોષણનાં રુક્ષ સાધનો છતાં પોતાનાં દેહને કસેલો રાખી શકતો હતો. ટમાટાં, ઘઉંનાં છાલાં, મલાઈ અને કેળાંમાં રહેલાં પ્રજીવકો - વીટેમીન્સ - તેને મળતાં ન હતાં, છતાં પ્રત્યેક જાતના પ્રજીવકોને એક અગર બીજે સ્વરૂપે દેહમાં ઉમેર્યે જતાં કૈંક ધનિકોના નિરર્થક દ્રવ્યવાળાં શરીરો કરતાં જયરામનું શરીર વધારે ઘાટીલું હતું. મિલમાં સમાજસેવાની ઝુંબેશ ઉઠાવનાર ઉત્સાહી જુવાનિયાઓની સામે મિલના ભારે પગારવાળા વ્યવસ્થાપકો તેમની ઝુંબેશના જવાબમાં જયરામને આગળ કરતા અને પૂછતા.

‘આ તમને ભૂખે મરતો દુ:ખી મજૂર લાગે છે ?’

જોકે જયરામનો દેહ ઘડવામાં મિલના કામે - નહિ કે મિલના પૈસાએ - થોડો ઘણો ભાગ ભજવ્યો હતો ખરો.

પરંતુ મિલમાલિકો અને વ્યવસ્થાપકો જયરામને દુશ્મન તરીકે લેખતા. તેને એક અકસ્માત થયો, અને તેનો પગ કાપી નાખવો પડ્યો. તેને તેના સાથીદારને ધક્કો અજાણતા લાગ્યો. અને સંચામાં તે ભરાઈ ગયો. તેનાં બળ અને કળને લીધે તે મરતાં બચી ગયો; અને જોકે તેનો પગ ગયો છતાં તે જીવતો રહ્યો. તેને જાણી જોઈને ધક્કો મારવામાં આવ્યો હતો એવી વાતને તેણે ગણકારી નહિ; પરંતુ તેની રોજીનો પ્રશ્ન ઊભો થયો. અપંગ માણસની દુનિયાને જરૂર નથી. દેખાવ પૂરતા દવાના અને પોષણના પૈસા આપી કૃતાર્થ થયા એમ માનતા વ્યવસ્થાપકોને લાગ્યું કે કારખાનામાંથી એક પાપ ગયું. પણ એ પાપ એમ ઝડપથી જાય એવું ન હતું. તેની પત્ની ત્યાં નોકરી કરતી જ હતી. અને જયરામની બેદરકારીએ જયરામને ઉગ્ર અસંતોષ અને વૈર આપ્યાં. કારખાનાની અંદર અને બહાર ફરી તે ખામીઓ શોધી કાઢતો, અને એવી ખામીઓને ઉપયોગ કરવા તલપી રહેલા ખબરપત્રીઓ, સમાજસેવકો અને સામ્યવાદી ચળવળિયાઓને તે પૂરી પાડતો.

આમાંથી તેને પરાશરનો તથા ભાસ્કરનો પરિચય થયો. કારખાનાના માલિકો દુષ્ટ જ હોય એવી ખાતરીથી આગળ ચાલનારા સામ્યવાદીઓ તેમની વિરુદ્ધ ચળવળ કરવાનાં ઘણાં કારણો મેળવી શકે છે. પરાશરની ટોળીએ જયરામ દ્વારા માલિકો વિરુદ્ધ લડત ઉપાડી હતી, અને તેમાં તેમને મહાસભાવાદી વિજયરાય અને તેમના પુત્ર ભાસ્કરનો