પૃષ્ઠ:Shobhana.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪: શોભના
 

ટેકો મળ્યો હતો, એટલે આખા કારખાનામાં હડતાલ પાડવાની યોજના ઘડાઈ ચૂકી હતી.

માલિકો પણ છેક અજાણ રહ્યા ન હતા. સામ, દામ, ભેદ અને દંડની રાજનીતિનો ઉપયોગ રાજકારણમાં જ અટકાવી રાખવાનો હોતો નથી. મોટા વ્યાપારી વ્યવસાયો, કારખાનાના વહીવટ, રાજદ્વારી મંડળો, સમાજસુધારણની સંસ્થાઓ અને દાનધર્મના કારભારમાં પણ આ નીતિનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે છે. જયરામ તથા પરાશરને પહોંચી વળવાની આવડત માલિકોમાં હતી - જોકે માલિકો મહાસભાવાદી છાપવાળા હતા, અને એ આવડતના એક પ્રયોગ તરીકે કારખાનાના ગુંડાઓ દ્વારા જયરામને ખૂબ માર મરાવ્યો. માલિકોનો જરા પણ દોષ ન નીકળે, તેમને અને મારનારાઓને કશો જ સંબંધ ન હતો એમ સાબિત થાય, તેમના હૃદયને રીઝવી શકાય એટલી નિર્લેપતા આવા કામે રહી શકે, અને જરૂર પડ્યે મારનારને પોલીસમાં મોકલી અપાય તથા વાગનારને સારવાર કરવાની ઉદાર તત્પરતા અને ન્યાયપરાયણતા સહુની આંખે ચડે એવી બધી જ ગોઠવણ પૈસાને જોરે બની શકે છે. એવી વ્યવસ્થા થઈ અને જયરામને ખૂબ માર પડ્યો. કદાચ પરાશરની અકસ્માત હાજરી હુલ્લડના છેલ્લા ભાગમાં ન હોત તો જયરામ જીવતો પણ ન રહ્યો હોત.

એ જયરામની સારવારમાં પરાશર અને કુમાર આખો વખત જયરામને ત્યાં હતા. આવાં યોજનાબદ્ધ યુદ્ધોની ખબર પણ ઝડપથી પડી જાય છે. વિજયરાયને તેની ખબર પડી. એટલે એક ગરીબ માણસની ખબર જોવાના શુભ હેતુને આગળ કરી તેમણે ભાસ્કરને મોકલ્યો. ભાસ્કરે શોભનાને મળવાનું નક્કી કર્યું જ હતું. એટલે એક કાંકરે બે પક્ષી પાડવાની જૂની રીત પ્રમાણે તેણે શાળામાંથી શોભનાને લીધી અને વિરોધી કારખાનાદારે ઘાયલ કરેલા ગરીબ માણસની શુશ્રષા કરવાનો પણ લાભ લીધો.

‘આ બંને જણ બેઠા છે; હું જાઉં તો હરકત છે !’ ભાસ્કરે જયરામને પૂછ્યું.

‘બાપજી ! આવો એ જ મોટી વાત છે. આવી અમારી કાળજી કોણ કરે ? પધારો.’ જયરામની પત્નીએ કહ્યું.

સ્વાર્થને અંગે પણ જો ગરીબો પ્રત્યે દિલસોજી દર્શાવાય તો ગરીબોને સ્વર્ગ મળ્યા જેટલું સુખ થાય છે. અને દિલસોજીના ઘણા પ્રકાર સ્વાર્થમાંથી જ ઉદ્દભવેલા હોય છે. અને ખરી દિલસોજી તો સઘળું છોડી ગરીબોની ગરીબી સાથે ભળી જવામાં રહેલી છે; પણ એની સગવડ જગતના મોટા