પૃષ્ઠ:Shobhana.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૮૧
 

પૈસા ખર્ચવા દે એમ હતું જ નહિ. સારામાં સારી બૉક્સની ટિકિટો ભાસ્કરે ખરીદી અને સુંવાળી મખમલ ભરેલી ખુરશીઓવાળા ઊંચામાં ઊંચા એક ગોખમાં સહુએ સ્થાન લીધું. કનકપ્રસાદ જયાગૌરી અને શોભના સાથે સાથે બેસી ગયાં. ભાસ્કર જરા દૂર પાસે આવી શકાય એટલે દૂર બેઠો.

સિનેમા શરૂ થયું. જયાગૌરી અત્યંત હોંસથી ચિત્ર જોતાં અને સમજતાં હતાં. કનકપ્રસાદ પણ શાંતિથી છતાં નવીન ઉત્સાહથી ચિત્ર જોતા હતા. બંને પતિપત્ની ખાસ ચિત્રનાં શોખીન ન હતાં - પતિ તો નહિ જ. અને છતાં એમણે ચિત્રો છેક નહોતાં જોયાં એમ પણ ન કહેવાય. તથાપિ જે સ્થાને બેસી તેઓ ચિત્ર જોતાં હતાં તે તેમને તદ્દન અજાણ્યું હતું - ઘણા સમયથી છૂપી ઈચ્છાનો વિષય બની ગયું હતું. એટલે સામાન્ય સ્થાને બેસી ચિત્ર જેવા કરતાં આ સર્વશ્રેષ્ઠ સ્થાને બેસી જોવામાં તેમને નવીન અનુભવ તો થયો જ.

અંધારામાં ભાસ્કર પોતાની ખુરશી ક્યારનો શોભના કને લાવી ચૂક્યો હતો. તેનાં માતાપિતા ન દેખે એમ ભાસ્કરે શોભનાના હાથને પોતાનો હાથ અડકાડ્યો - સ્વાભાવિકતાથી, પરંતુ શોભનાએ પોતાનો હાથ ખુરશીના હાથ પરથી ખસેડી લીધો.

ભાસ્કરે પૂછ્યું : ‘આજે આવી ટાઢી કેમ પડી ગઈ છે ?'

શોભનાએ કશો જવાબ ન આપ્યો. પુરુષની સમાનતા માગતી યુવતી આર્થિક દૃષ્ટિએ સ્વતંત્રતાની શરૂઆત કરી ચૂકી હતી. તેને પુરુષવર્ગ અણગમતો થઈ પડ્યો હતો, કારણ તેની દૃઢ માન્યતા હતી કે સ્ત્રીઓને પુરુષોએ જ બંધનમાં રાખી છે. આખો વર્ગ અળખામણો લાગતો. હતો. છતાં તેમાં અપવાદ તો હતો જ, બુદ્ધિજન્ય-ઊર્મિજન્ય શ્રેષ્ઠતા તેને ટાગોરમાં દેખાતી. રાજકીય-સામાજિક શ્રેષ્ઠતાનો વિચાર કરતાં તે ગાંધી કે માર્ક્સ તરફ દૃષ્ટિ કરતી, અણગમતા પુરુષમાં પણ શ્રેષ્ઠ રૂપ જોવું હોય તો તે રુડોલ્ફ વેલેન્ટીનોના ચિત્ર તરફ નજર કરતી, અને હવે તો ભાસ્કરનું ચિત્ર પણ તેની સાથે મુકાઈ ગયું હતું. સ્ત્રીને પુરુષ નથી ગમતો એમ તો એનાથી પ્રામાણિકપણે કહેવાય એવું રહ્યું નહિ.

ત્યારે એને શું નહોતું ગમતું ? બંધન લાદતો પુરુષ ?

એ બંધને બંધાઈ ચૂકી હતી. વારંવાર તે ભાસ્કરને ધમકી આપી રહી હતી :

‘હું તો પરણેલી છું.’