પૃષ્ઠ:Shobhana.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮: શોભના
 

પરાશર બેસી રહ્યો. લૉરીવાળાએ ગાડી જોરથી દોડાવી. ગાડીની બેઠક નીચેના ભાગમાં લાઠીઓ અને છરા પડેલા પરાશરે જોયા છતાં તે તરફ તેનું ધ્યાન દોરાયું નહિ. એ છરા અને લાઠીનો ઉપયોગ કરવા પ્રેરતી મનોવૃત્તિ એને શસ્ત્રો કરતાં વધારે ભયંકર લાગી.

મોટરલૉરી ડહેલા પાસે આવી ઊભી રહી. શહેરનો છેવાડાનો આ ભાગ પરાશરને જાણીતો હતો.

'ભાઈ ઊતરશો કે ?'

'ના.'

'હરકત નહિ. ડહેલાના માળીએ હું રહું છું ત્યાં તમને નહિ ફાવે. હું ગાડીમાં જ તમને સૂવાની જગા કરી આપું.’

‘મારે સૂવું નથી.’

‘હમણાં નહિ; પણ કાંઈ ખાશોપીશો ખરા ને ? હું ચા લાવું.’

‘હું ચા પણ નથી પીતો.'

‘ચા નથી પીતા ? હું ન માનું. હું જાણું ને !’

‘તું શું જાણે ?'

‘તમને ચા તો બહુ ભાવે છે. કૈંક વાર કરી આપી છે.’

‘મને ? તું ભૂલે છે. કોઈને બદલે કોઈને ધારતો હોઈશ.’

‘ગાડીવાળો હસ્યો.'

‘હું તમને ન ઓળખું ? ચાનું તો આ તોફાન થયું ! પાંચ છ વરસ થઈ ગયાં...'

‘તારું નામ શું ?’

‘મારું નામ સોમો. મને ન ઓળખ્યો ?’

‘સોમો ! અલ્યા મુસલમાન વેશ લીધો છે તેં ?’

'તે હું મુસલમાન થઈ ગયો છું. સોમાનો સમનમિયાં બની ગયો છું!'

પરાશર વિસ્મય પામ્યો. જરા રહી. તેણે પૂછ્યું :

‘શા માટે ?’

‘ભઈ ! તમે ગયા પછી મને કાઢી મૂક્યો; જાણે મેં તમને ઘરથી દૂર કર્યા હોય ! મારે ઘેર મારાં માબાપે મને ન રાખ્યો. કમાણી છોડી આવવામાં જાણે મેં અપરાધ કર્યો ન હોય ! પછી શું કરું ? ગાડીએ ચડી બેસી રેલવે વાળાઓનો માર ખાતો ખાતો શહેરમાં આવ્યો.'

'પણ તેમાં મુસલમાન કેમ થઈ ગયો ?' પરાશરના પ્રશ્રે પરાશરને જ