પૃષ્ઠ:Shobhana.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬: શોભના
 


‘ક્યાં હતો ? અમારી તો ઊંઘ ઊડી ગઈ !’

સહુએ એવા જ પ્રશ્નો કર્યા. એને કાંઈ વાગ્યું ન હતું એ જાણીને સહુને આનંદ થયો.

‘હવે એમને જરા બેસવા દો.’ કોઈએ કહ્યું.

પરાશર પોતાની ઓરડીમાં આવ્યો. કુમારે તેને તેના ખાટલામાં બેસવા જણાવ્યું; પરંતુ તેમ ન કરતાં એ પોતાની સાદડી ઉપર બેઠો. સમન અને રતન તેની સાથે જ ઓરડીમાં ગયાં.

‘તું જા. હવે. ક્યાં સુધી રોકાઈશ ?' પરાશરે સમનને કહ્યું.

‘મને એમ થાય છે કે હું હજી થોડા દિવસ તમારી ભેગો રહું '

‘જરૂર નથી. આ ડૉક્ટર મારી ભેગો છે. મને વાગશે તો એ દવા કરશે, અને આ રતન મારી પરિચારિકા બનશે.’ હસીને પરાશર બોલ્યો. તેને પોતાની ઓરડી મળી. એ ઓરડીએ તેને અનેક પ્રસંગે દૃઢતાના પાઠ શીખવ્યા હતા. ઓરડી પરાશરના જીવનવર્તુલ જેવી જીવતી બની ગઈ હતી. પરાશરમાં જીવનનો ઉત્સાહ ઊભરાયો.

'ભાઈ ! હું હજી કહું છું કે કોઈનો વિશ્વાસ ન કરશો.' સમને કહ્યું.

‘એટલે ?'

‘મારોયે નહિ.'

‘તારો વિશ્વાસ ન કરું તિ પછી જીવું શા માટે ?’

‘ખિસ્સામાં ચપ્પુ તો રાખી જ મૂકજો.'

'વારુ.'

અત્યંત અણગમાસહ સમાન ગયો. પરાશરે રતનને અને કુમારને બે રાતનો અનુભવ કહ્યો.

‘ચાલ હવે બધે ખબર આપું. પહેલી પોલીસને, એટલે એ તારી લાશને બદલે તને ઝાલશે.' કુમારે કહ્યું.

‘એટલે ?'

‘તારો પત્તો ન હતો. એટલે તારું ખૂન થયેલું બધા ધારતા હતા. હવે તું જીવે છે એટલે તું ગુનેગાર ગણાઈ પોલીસને હાથ પડીશ.’

‘વૉરંટ નીકળ્યું છે ?’

‘હવે નીકળશે, પણ મને ખબર કરી આવવા દે. પેલો ભાસ્કર અને તારી દોસ્ત રંભા પણ બધે તપાસ કર્યા કરે છે.’