પૃષ્ઠ:Shobhana.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬: શોભના
 


'આપણાં માબાપ આપણા માટે પણ એમ જ કહેતાં હતાં, નહિ ? ફિક્કું હસી શોભનાના પિતા કનકપ્રસાદે જવાબ વાળ્યો. કનકપ્રસાદ શિક્ષકનું કામ કરતા હતા.

'મારાં તો નહિ, પણ તમારાં માબાપ કહેતાં હોય તો કોણ જાણે ! અને એ કહેતાં હોય તો એમાં બહુ ખોટું પણ શું હતું ?' જયાગૌરીએ હસીને ધીમેથી કહ્યું. તેમના હાસ્યમાં યૌવનના ભણકારા સંભળાતા હતા. થાકેલા દેહ અને થાકેલા મન પણ વર્ષોના પડદા પાછળ જુએ છે, ત્યારે પૂર્વજીવનના રંગ તેમને રંગી જાય છે.

'એટલે ?'

'એટલે એમ કે તમારી નફટાઈનો પાર નહોતો.' જયાગૌરીએ કહ્યું. પતિપત્નીએ પુત્રીની ગેરહાજરીમાં પ્રાચીન પ્રેમને સંભાર્યો. દેહ સહી ન શકે એવો પ્રેમ કજળી ગયા જેવો જ હતો. કદાચ અતિ ઉગ્ર પ્રેમ અંગારેજ જીવનથાકને વહેલો લાવી મૂક્યો હોય. પરંતુ લગ્નને વળગી રહેલો પ્રેમ, દેહને ભસ્મ કરતો હોય છતાં તે પવિત્ર મનાયે જાય છે. જયાગૌરી પોતાને પવિત્ર મનાવતાં - જોકે તેમનું શરીર દસબાર વર્ષથી ઘસાવા લાગ્યું હતું. અને કનકપ્રસાદ પણ આરોગ્યના નમૂનારૂપ ન જ હતા.

'હું શું કરતો હતો ?'

'મારે સંભારવું નથી, પણ આજનું ભણતર અને મોટી ઉમર બંને મને તો મૂંઝવી નાખે છે.'

શોભનાએ બારણું ઉઘાડ્યું અને પૂછ્યું :

'બા ! કોણ તને મૂંઝવે છે ?'

'તુંસ્તો, બીજું કોણ ?'

'કારણ ?'

'કારણ કશું જ નહિ: પણ આ તમારાં ભણતર...'

'એમ તો તુંયે ભણેલી છે.'

'તારા જેટલું નહિ ને ! અમારું ગુજરાતી-અંગ્રેજી ભણતર જુદું હતું. મારે તો તને મેટ્રિક પછી ઉઠાડી લેવી હતી, પણ તારા બાપને ગ્રેજ્યુએટ દીકરીનો મોહ અને તારી જક !'

'હવે બહુ વાર નહિ થાય, પરીક્ષા પાસે આવે છે.' કનકપ્રસાદે કહ્યું. ભણતરનો ભય માતાપિતાને - ખાસ કરીને માતાને - ઘણો રહેતો હતો એ શોભના જાણી હતી. જયાગૌરી ભણેલાં હતાં. થોડો અંગ્રેજી અભ્યાસ પણ તેમણે કરેલો હતો. વર્તમાનપત્રો અને નવલકથાઓનું વાચન તેમને