પૃષ્ઠ:Shobhana.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગૌરધીરને માટે પરાશરે મજૂરોની સભા ગોઠવી. તોફાનને અંગે કેટલાક મજદૂરો પકડાયા હતા અને તેમના મુકદ્દમા ચાલતા હતા; ઉપરાંત તેમનામાં ન હતી એવી ધાર્મિકતા પણ નવેસર ફૂટી નીકળી હતી. મુસ્લિમ મજદૂરોએ નિમાઝ પઢવાનું શરૂ કરી દીધું હતું. હિંદુ મજદૂરોએ દેવપૂજન અને આરતીની પ્રથા શરૂ કરી દીધી હતી. નિમાઝ અને દેવપૂજનમાં ઈશ્વર-આરાધના કેટલી થતી હતી તેની ખબર પડવી મુશ્કેલ હતી; પરંતુ નિમાઝમાં હિંદુઓની આરતી કેમ કરીને હરકત કરે છે તેનો શિકારીને શોભે એવી તીવ્રતાભર્યો તપાસ કરવામાં મુસ્લિમ મજદૂરો નિમાઝના સમયે રોકાતા. અને મુસ્લિમ નિમાઝને હરકત પડે એવો અસરકારક સમય શોધી આરતી અને ઘંટનાદ કેમ કરીને કરી શકાય તેની શોધમાં યુરોપીય મુત્સદ્દીઓને પણ હરાવે એવી હોશિયારી સહ હિંદુ મજદૂરો રોકાતા.

અલબત્ત એવો ભંગ થોડો જ હતો. ભૂખ સહુને અંતે તો એક બનાવી દે છે. જોકે માનવઘેલછાનાં વાવાઝોડાં ધર્મ, સંસ્કાર, ગમે તેવી વીજળીઓની રેષાઓ દોરી ભિન્નતાને ઊભી કરવાને મથે તોપણ જીવવાને મથતો મજૂરવર્ગ અને તેમનાં કુટુંબો ધર્મની રેષાઓને બાજુએ મૂકી દે છે, અને સવારસાંજના પોષણમાં જૂના ઝઘડાઓ વીસરી પણ જાય છે. નવેસર દાઢી રાખવાથી હિંદુત્વની મજબૂતીનો એક વળ વધારે ચડશે એમ માનતા હિંદુમુસ્લિમ મજદૂરોના એક નાના ભાગ સિવાય બીજા બધા પરાશરને સાંભળતા થઈ ગયા હતા.

પરાશરે પણ હમણાં હડતાલની વાત પડતી મૂકી, મજદૂરોના શિક્ષણ અને મજદૂરોની તંદુરસ્તીના પ્રશ્નો હાથ ઉપર લીધા હતા. એથી એને એના સાથીદારોનો સહજ વિરોધ પણ સહન કરવો પડ્યો હતો. છતાં ઉશ્કેરણી, ઉગ્રતા, અગ્નિ, વિગ્રહ, તિરસ્કાર, વેરઝેર એ ભાવનાઓ ચારે બાજુએ સળગાવી મૂકવામાં તેને સંકોચ ઉત્પન્ન થતો હતો. કુટુંબ, સમાજ, રાજ્ય સંસ્થાઓ, નિત્ય વ્યવહાર એ સર્વમાં તિરસ્કાર, ઉગ્રતા વિગ્રહ એટએટલાં વ્યાપી ગયેલાં તેને દેખાયાં કે એ મોરચાઓ ઉપર આધાર રાખી માનવશ્રેય સાધવાની પદ્ધતિ વધારે સારી કે ત્યાગ, માધુર્ય, શાંતિ અને પ્રેમ ઉપર રચવાની પદ્ધતિ વધારે સારી એ પ્રશ્ન તેને મૂંઝવી રહ્યો. રશિયાની હદ