પૃષ્ઠ:Shobhana.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨: શોભના
 


આ ઢબે વિચાર કર નારી ચંચળ સરખી સ્ત્રીને પુરુષોના અન્યાય અને જુલમ સામે થવા શી રીત પ્રેરી શકાય ? પુરુષ અન્યાય અને જુલમ, કરે છે એ વાત પણ જેને સમજાતી નથી એવી આ અજ્ઞાન ચંચળને તેના હક્ક ક્યારે સમજાય?

'ચંચળ : તું ભણે ખરી ?' શોભનાએ પૂછ્યું.

'બહેન ! અમે ભણીએ તો ભૂખે ન મરીએ ?'

ભણવું અને ભૂખે મરવું એ બન્ને તત્ત્વો હિંદમાં બહુ પાસે પાસે આવી ગયાં છે, પરંતુ શોભનાને તો એ જવાબમાં ચંચળના અજ્ઞાન સિવાય બીજું કાંઈ દેખાયું નહિ.

'પણ હવે તું તો ભણી લે ! પછી ચંચળને ભણાવજે.' જયાગૌરીએ ચાની વાર લાગવાથી અંદર આવી આ સંવાદનો છેલ્લો ભાગ સાંભળી હસી. પુત્રીને તેના કર્તવ્યનું વહાલભર્યું સૂચન કર્યું.

પરંતુ શોભનાને ભણવામાં મૉજ આવી નહિ; પરીક્ષાના વિચારે તેને સહજ કંટાળો આવ્યો. પુસ્તકની નોંધ કરતાં ચંચળ, ચંચળનો પુત્ર અને ચંચળનો વર શોભનાને વધારે જીવંત લાગ્યાં.

તે સાથે વિનીની લગ્નતૈયારી, કારની ઈચ્છા, તારિકાનું નૃત્ય અને ભાસ્કરની ઉપેક્ષા એ બધા તેને રસહીન અભ્યાસ કરતાં વધારે મહત્ત્વનાં લાગ્યાં.

પણ ભાસ્કરે ઉપેક્ષા કરી હતી એમ કેમ કહેવાય ? શોભનાએ જ તેને આગળ વધતો અટકાવી દીધો હતો. કેવો દયામણો એ બની ગયો હતો ! એને જો વચમાં જ મળવાની તક આપી હોય તો કરેલા અન્યાયનું નિવારણ થઈ જાય.

શોભનાને લાગ્યું કે તેના અભ્યાસમાં આ બધાં વિક્ષેપ નાખે છે. એકદમ તેણે મનનું એક ખાનું બંધ કરી તેને તાળું મારવા પ્રયત્ન કર્યો. અભ્યાસ સિવાયની આખી દુનિયાને તેણે તાળામાં પૂરી એકાગ્રતાપૂર્વક તેણે અભ્યાસ આદર્યો.

પરંતુ વચ્ચે વચ્ચે પેલો ખાદીધારી પરાશર શા માટે એ તાળું ઉઘાડવા મથતો હતો ?

શોભનાનું માનસ હાલી ગયું હતું, છતાં તેણે અભ્યાસને મહત્વ આપ્યું, અને ભારે પરિશ્રમ કરી તે પરીક્ષામાં બેઠી.

અને પરીક્ષામાં તે પસાર પણ થઈ - સારે ક્રમે, જોકે તે પ્રથમ વર્ગમાં આવી શકી નહિ. પ્રથમ વર્ગમાં તો બેત્રણ પુરુષવિદ્યાર્થીઓ જ આવ્યા.