પૃષ્ઠ:Shobhana.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦: શોભના
 

બેસાડ્યાં, પછી શોભનાને બેસાડી, અને તેની જ સાથે ભાસ્કર બેસી ગયો. જાણીતો યુવક પુત્રીની જોડમાં જ બેઠો હતો એ આજના યુગનું ચલાવી લેવા જેવું દુષણ છે એવો વિચાર જયાગૌરીને ક્ષણ માટે આવી ગયો; પરંતુ કારની મોહક ઝડપમાં તેમણે એ વિચારને વિસારે નાખ્યો, અને ક્ષણવારમાં તેમણે એવી શાતા અનુભવી કે અડધો કલાક મધરાતે શહેર બહાર ફરવાની ભાસ્કરની સૂચનાને તેમણે સંમતિ આપી.

મધરાતનો સમય, વાળ અને વસ્ત્રને રમાડતો શીતળ પવન, યુવકયુવતીનું સાન્નિધ્ય, કારની લીસી ગતિ અને જગતભરમાં વ્યાપેલી શાંતિ યૌવનને ભાગ્યે જ શાંત પાડી શકે. એ સર્વ સંયોગો યૌવનના એકેએક ખૂણાને જાગ્રત રાખે છે. ભાસ્કર અને શોભના બન્ને સચેત હતાં. બને તેમ સ્પર્શથી દૂર રહેવા મથતાં હતાં. અને સ્પર્શ થતાં મૂક અજાણપણું દશાવતાં હતાં. સાન્નિધ્યથી ઉત્પન્ન થતા કંપમાં તેમણે વારસામાં ઊતરેલી જૂની શરમ અને નબળાઈનું પરિણામ નિહાળ્યું, અને સહશિક્ષણને અંગે ઉપસ્થિત થતા આવા સહપર્યટનના પ્રસંગોમાંથી માર્ગ કાઢી નવીન નીતિધોરણ ઘડવામાં પોતે અગ્રણી બને છે એમ તેમણે ધારી લીધું.

આવા સ્વાભાવિક ભાવથી ભય ન પામતાં તેનો નિર્દોષ આસ્વાદ લેવામાં પાપ ક્યાં થાય છે એ પ્રશ્ર મનને પૂછી એક ડગલું આગળ પણ વધી શકાય છે.

'ઠંડક તો નથી લાગતી ને ?' ભાસ્કરે બાહ્ય શાંતિનો ભંગ કરતો પ્રશ્ન પૂછ્યો અને ખાસ વાંધો ન લેઈ શકાય એવી પ્રામાણિક ચેષ્ટાસહ શોભનાના હાથ ઉપર હાથ મૂક્યો.

'ના.' શોભનાએ કહ્યું.

પરંતુ ઠંડક જોવાને બહાને ભાસ્કરે મૂકેલો હાથ ન ભાસ્કરે ખસેડ્યો કે ન શોભનાએ ખસેડ્યો.

કાર અટકી અને સુખમૂર્છામાં પડેલાં જયાગૌરી જાગ્રત થઈ ગયાં.

'ઘર આવી ગયું.' જયાગૌરીએ કહ્યું.

ઝડપથી હાથ ખેંચી લઈ ભાસ્કરે જવાબ આપ્યો :

'હા જી.'

ભાસ્કરે નીચે ઊતરી ગાડીનું બારણું ખોલી નાખ્યું, અને જયાગૌરી ન સમજાય એવા અણગમાસહ નીચે ઊતર્યાં; શોભના પણ તેમની પાછળ આવી. શોભનાના હૃદયમાં કોઈ સંકોચ જાગ્રત થયો. તેણે ભાસ્કર સામે જોયું નહિ, પરંતુ જયાગૌરીને ઘરમાં પહોંચાડી બહાર આવતા ભાસ્કરે