પૃષ્ઠ:Shobhana.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૬૫
 


યુવક ચબરાક લાગતો હતો, પરંતુ તેનો દેહ દુર્બળ હતો, અને એની આંખ ઉપરનાં ચશ્માં બહુ ભારે લાગતાં હતાં. તેણે સ્વચ્છ અંગ્રેજી ભાષામાં પરદેશી સ્થિતિનો સરસ ચિતાર આપ્યો. હિટલર મુસોલિની અને જનરલ ફ્રેન્કોને પણ બહુ ગાળો દીધી. ચેમ્બરલેન, હેલીફાક્સ, દલાદિયિર અને રૂઝવેલ્ટની નામર્દાઈ ઉપર તેણે પ્રહારો કર્યા. જર્મન જંગલીપણા ઉપર તેણે ફિટકાર વરસાવ્યો. એબીસીનિયા, સ્પેન, ઑસ્ટ્રિયા, ઝેકોસ્લોવેકિયા, ચીન અને આલબેનિયા ઉપરના આક્રમણમાંથી જગતના તારણહાર રશિયાની મુશ્કેલીનું તેણે સરસ વર્ણન આપ્યું; અને જોકે બલવાદી પ્રજાઓનો દેખીતો વિજય થતો લાગતો હતો; છતાં જગતભરના મજદૂરો અને કિસાનો અંતે એકત્ર થઈ જુલમી શાહીવાદને કેવી રીતે ઉથલાવી નાખવાના છે તેનો બહુ ચોક્કસ નકશો તેણે દોરી આપ્યો. તેના નિવેદનની બહુ સારી અસર થઈ, અને મજદૂરો અને કિસાનોના ચોક્કસ ભાવિ વિજયમાં અત્યંત રાજી થતા રેશમી કફનીમાં સજ્જ થયેલા એક ફૂટડા યુવકે પોકાર પણ કર્યો:

ઈન્કિલાબ ઝિંદાબદ !

હાલી ગયેલા હૃદયવાળી એક યુવતીએ તે પોકાર ઝીલી તેને ગીતનું રૂપ આપ્યું:

ઈન્કિલાબ ઝિંદાબદ !

ગુંજે આઝાદીકા નાદ

ઈન્કિલાબ ઝિંદાબાદ !

આખી સભાએ તે ઝીલી લીધું. સભાનો ખંડ ભાસ્કરના પિતાની માલિકીના એક માળાનો ભાગ હતો, એટલે માળામાં રહેતાં થોડાં બાળકો અને થોડી સ્ત્રીઓ ખંડી પાસે ભેગાં થઈ ગયાં, અને અંદર ડોકિયાં કરવા લાગ્યાં. બુદ્ધિવાદી યુવાનોને લાગ્યું કે તેમણે પોતાની અસર જનતામાં ફેલાવવા માંડી છે.

બુદ્ધિવાદમાં પણ ઊર્મિને તો સ્થાન હોય છે જ. ઊર્મિ શમતાં પ્રમુખે બીજા યુવકને હિંદની પરિસ્થિતિ સમજાવવા વિનંતી કરી. યુવક ઊભો થયો. સુરવાલ, અચકન, ખુલ્લા વાંકડિયા વાળ અને કિનાર વગરનાં ચશ્માંથી દીપતા એ યુવકે સ્ત્રીવિજયી સ્મિત ફેંકી વિવેચન વાંચવાનું શરૂ કર્યું.

પરાશરના મનમાં એક વિચાર આવી ગયો : ‘ગુજરાતનું પુરુષત્વ રૂપાળું બને છે કે બાયલું ?’

આ યુવકે એક સુંદર વિહંગાવલોકન શરૂ કર્યું : ‘ગાંધીવાદના