પૃષ્ઠ:Shobhana.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮: શોભના
 

રસ્તા ઉપર બૂમાબૂમ થતી હતી; મોટરોનાં ભૂંગળાં જોરથી વાગતાં હતાં; બારીબારણાં ભડાભડ વસાતાં હતાં, છોકરાં રડતાં સંભળાતાં હતાં; સ્ત્રીઓની ચીસો કાને આવતી હતી. ગાડીઓની ઝડપી દોડનો ખ્યાલ આવતો હતો. વાતાવરણમાં વિચિત્ર અશાંતિ દેખાતી હતી.

‘બહાર શું થાય છે ?’ એક સ્ત્રી બુદ્ધિમત્તાએ પૂછ્યું.

'હુલ્લડ હશે.' એક સભ્યે કહ્યું.

'હુલ્લડ ? શાનું ?’ બીજા સભ્યે પૂછ્યું.

‘હિંદુ-મુસલમાન વચ્ચેનું. એ સિવાય બીજું હોય જ નહિ ને !’ ત્રીજા સભ્યે કહ્યું.

‘મિલમાલિકો અને કામદારો વચ્ચે પણ હોય.’ ચોથાએ કહ્યું.

‘અગર સરકાર અને કિસાનો વચ્ચે.'

"બારણાં બંધ કરો", "અંદર જતા રહો", "સંતાઈ જાઓ"; "મરી જશો", "મારો", "બાળી નાખશે" વગેરે ઉદ્ગારો યુવાન બુદ્ધિમાનોને કર્ણ સંભળાવા લાગ્યા. એકબે પથ્થરોથી કાચ તૂટતા હોય એવો પણ ભાસ સહુને થયો.

'આ પ્રશ્ન આપણી સામે જ આવી ઊભો છે. "યંગ ઇન્ટલેક્ચ્યુઅલ્સ” કાંઈ પગલું ન લે ?' પરાશરે પૂછ્યું.

એક યુવકે ઊઠીને બારણું બંધ કરવા માંડ્યું.

‘પ્રશ્ન સામે બારણું બંધ કરવાનું હોય તો મને બહાર નીકળી જવા દો.’ પરાશરે કહ્યું.

"Don't be a fool.'[૧] કોઈનો ઉદ્ગાર સંભળાયો.

‘આપણે શું કરી શકીએ ? સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ.' કોઈએ કહ્યું.

‘આગળ કશું નહિ ?' પરાશરે પૂછ્યું.

‘શું થાય ? હું તો મહાસભાવાદી છું; અહિંસક છું.' એક સભ્યે કહ્યું.

‘મોટો ભાગ મહાસભાવાદીઓનો છે.’ બીજા કોઈએ કહ્યું.

‘અને સામ્યવાદીઓ પણ ઉદ્દેશહીન હિંસામાં માનતા નથી.’

‘ઝઘડો અટકાવવામાં તો માને છે ને ?' પરાશરે પૂછ્યું.

'પણ એની રીતસર યોજના વિચારીએ, પગલાં નક્કી કરીએ, કામનું ધોરણ ઠરાવીએ, તે પછીથી તે અમલમાં મૂકી શકાય.’ એક કાયદાબાજ


  1. *મૂર્ખ ન થાઓ.