પૃષ્ઠ:Shobhana.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦: શોભના
 


‘અને બીજાં બધાં ?’

‘તેમને માટે જ જવાનું ને ? તને સલામત પહોંચાડી હું પોલીસની ટુકડી લઈ અહીં આવું છું. ત્યાં સુધી સહુ સલામત છે. મેં અહીંના ભૈયાઓને પૈસા આપી દીધા છે; એ માળો સાચવશે.'

‘રસ્તામાંથી રંભાને લેઈ લેવાશે ?'

'હાસ્તો.'

‘અને પરાશરને ?’

‘પ્રયત્ન કરી જોઈએ, ચાલ.' ભાસ્કરે શોભનાનો હાથ ઝાલી આગળ ખેંચી. કાંઈ પણ સમજ ન પડતી હોય એમ વિચારશૂન્ય બની ગયેલ શોભના ખેંચાઈ આગળ ચાલી.

દૂર ચાલ્યા જતા હુલ્લડ ઉપર સંધ્યાકાળનું ધુમ્મસ ઢંકાતું હતું. શોભના ભાસ્કર સાથે કારમાં બેસી ગઈ, અને દીવા પ્રગટાવતી કાર આગળ વધી.

‘આપણે સાથીઓને મૂકી ભાગી જઈએ છીએ.' શોભના બોલી.

‘જરાય નહિ. બધા સભ્યોની સૂચનાથી જ હું આવ્યો છું. આપણે જોખમ ખેડીને બહાર નીકળ્યાં છીએ.' ભાસ્કરે કહ્યું.

એકબે પથ્થર કાર ઉપર અથડાયા; કારની ઝડપ વધી. ભાસ્કરે પૂછ્યું :

‘બીક તો નથી લાગતી ને ?’

'ના'

‘તારું શરીર તો થરથરતું લાગે છે !’ શોભનાનો હાથ પકડી ભાસ્કરે કહ્યું.

'મેં એક વાર કહ્યું ને કે હું પરણેલી છું ?’ શોભના બોલી.

‘તેથી શું ?' ભાસ્કરે હસીને પૂછ્યું.

લગ્ન નિરર્થક છે; મિલકતની ભાવનાનું પરિણામ છે. લગ્ન અને શરીરસંબંધ એ બે ભિન્ન તત્ત્વો છે; શરીરસંબંધમાં આા નથી; એવાં એવાં સૂત્રોની ચર્ચા કરતા યુવકયુવતીના મંડળમાં આ પ્રશ્ન પુછાય એ સહજ છે. એ પ્રશ્નનો જવાબ પણ મળતો નથી.

કાર અદ્દશ્ય થઈ. અનિયંત્રિત હુલ્લડનાં રાક્ષસી વમળો ઉપર તરવાને પાત્ર બનવી જોઈતી હિંદની સંસ્કારસમૃદ્ધ જુવાની આ સુંવાળા, સહેલા અને સ્વતંત્ર લાગતા પ્રેમના પારામાં ગળી તો નથી જતી ને ?