પૃષ્ઠ:Shobhana.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૭૫
 


‘કેમ ન આવું ?'

‘તારો વર તો લડે છે.’

‘છોને લડે, એને બીજો ધંધો શો છે ?'

પરાશરના માથામાં વાગેલા ઘા ઉપર તેણે રૂ દબાવીને મૂકવા માંડ્યું. એક માતા કે એક બહેનનો નિ:સ્વાર્થી હાથ ફરતો પરાશરે અનુભવ્યો. કયા કારણે રતન આવી કાળજી લેતી હતી ? પઠાણના મારથી પતિને બચાવવા ચોરી કરનાર પત્ની ચોરીના ભોગ પ્રત્યે ભ્રાતૃભાવ કેળવતી હતી ! અને એ ભાવને ખાતર પતિનાં મહેણાં અને કદાચ માર પણ સહન કરવા તૈયાર બનતી હતી ! આવી સારવાર પંદર રૂપિયા ખર્ચ્ચે પણ કદાચ ન મળે; સારવાર મળે તોપણ સારવાર પાછળનો ભાવ તો ન મળે.

સાદા, અસંસ્કૃત ગરીબ જીવનની સરળતા ક્યાં ? અને આંટીઘૂંટીવાળા શિક્ષિત, સદા જાગ્રત રહેતા મધ્યમવર્ગી જીવનનો પડદાપોશ સ્વાર્થ ક્યાં ? યુવકો અને યુવતીઓ હુલ્લડ શમ્યા પછી સલામતીની ખાતરી થયે સેવા કરવા નીકળશે, વકીલો વ્યાખ્યાનો આપવા નીકળશે ! પણ દેહને અગ્નિમાં હોમનાર*[૧] ગણેશ શંકર વિદ્યાર્થી તો એક જ નીકળ્યો, નહિ ?

કૉલેજના યુવકો પ્રગતિમાન મનાય; કૉલેજ બહાર નીકળેલા યુવાન વિચારકો પણ પ્રગતિશીલ ગણાય. એ યુવકો હુલ્લડ અટકાવવા જવા ટુકડીબંધ પ્રયાસ કેમ કરતા નથી ? યંગ ઈન્ટલેક્ચ્યુઅલ્સ સ્પેન, ચીન અને એબીસીનિયાની વિગતો સંબંધી ચર્ચા બંધ કરી તેમની જ આંખ આગળના પ્રશ્નોનો નિવેડો કરે તો ? શહેરમાં થતાં હુલ્લડને અટકાવી દેવા ત્રણસો યુવાનો પણ ઊભા ન થઈ શકે ? સ્પેનની ઈન્ટરનેશનલ બ્રિગેડમાં ન જવાયું તેથી અસંતોષમાં પડેલા યુવકો હુલ્લડવિરોધી ટુકડી ઊભી કરે તો ? ક્રાંતિવાદ ફેલાવવા કરતાં આ કોમવાદનું હળાહળ નિવારવું એ કદાચ આજનો વધારે અગત્યનો પ્રશ્ન પણ હોય.

મજૂરો અને કિસાનોની ઉન્નતિ સાથે ત્રણસો યુવકોની હુલ્લડવિરોધી ટુકડી ઊભી કરવાનો નિશ્ચય કરતા પરાશરને રતનની સારવાર અનેક પ્રશ્રવર્તુલોમાં દોરી જતી હતી.

પરંતુ તેના પ્રશ્નોને અટકાવનાર એક ટકોરો તેની ઓરડીના અધખુલ્લા બારણા ઉપર પડ્યો. સહજ ચમકી બંનેએ બારણા તરફ જોયું;


  1. * કાનપુરના હિંદુ-મુસ્લિમ હુલ્લડ વખતે હુલ્લડ શમાવતાં પ્રાણ અર્પણ કરનાર એક મહાન યુવક.