પૃષ્ઠ:Shobhana.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૮૧
 

જ જાત - નારી, પણ બહુ જ જુદી !

એ પરણી હશે ? ઘર ચલાવતી હશે ? વાસણ માંજતી હશે ? લૂગડાં ધોતી હશે ? એને રસોઈ આવડતી હશે ? એ માતા બની શકતી હશે ? રતનના મનમાં નવીન સ્ત્રીને જોઈ આવા આવા પ્રશ્નો ઊભા થતા, અને તેના સમાધાનભર્યા જવાબ તેને મળતા નહિ. જો આમાંનું કાંઈ તેમનાથી બની શકતું ન હોત તો એ શોભાની નારી નિષ્ફળ ન કહેવાય ?

મિલમાલિકના બંગલા ઉપર કૈંક વેલો ચઢી હોય છે ! એ વેલનાં ફૂલ? ન હોય એમાં વાસ, અને ન આપે કદી ફળ ! વેલ વાવવી હોય તોય ડાંખળી તોડવી પડે ! એવી નિષ્ફળ સુવાસરહિત પુષ્પનો ભાસ આપતી યુવતીઓ પરાશરની આસપાસ નાહક વીંટાવાને બદલે પરાશરની કાળજી લેવા આવતી હોય તો કેવું ?

એક યુવતી બપોરની ચોંટી રહી હતી; બીજી બેત્રણ આવી ગઈ. અત્યારે વળી એક મિજાજી બાઈ આવી. તે તો મળ્યા વગર જ ચાલી ગઈ ! તો આવી શા માટે ? મળ્યા વગર જાય એમ માનવા રતનનું મન ના પાડતું હતું.

‘આમાંથી કોઈ બિચારાને રોટલો ઘડી આપે એવી દેખાતી નથી !' રતને નવીન નારીના નમૂનાઓ નિહાળી મનમાં જ અભિપ્રાય બાંધ્યો. રોટલા માટે આખો વર્ગવિગ્રહ રચાયા કરે છે; પરંતુ રોટલાનું સાધન હોય ત્યાં એ બનાવવા કોણે, એ જ પ્રશ્ન ઊભો થાય છે. સ્ત્રીને અને પુરુષને બંનેને હવે રસોઈના કાર્યમાં અપમાન અને ક્ષુદ્રતા લાગે છે, છતાં જીવવા માટે કોઈકે તો રસોઈ કરવી જ પડશે ! વર્ગવિહીન સમાજમાં પણ રસોઈ-રસોડાં તો રહેવાનાં જ. કૌટુંબિક રસોડાંને બદલે સામુદાયિક રસોડાં - વિસ્તૃત રસોડાં રચાવાનાં. એ કાર્ય કોણ હાથ ધરશે ?

રતનને સમાજવાદ કે સામ્યવાદીની ખબર ન હતી. ધણીને રસોઈ કરી જમાડવો એ જૂની જુલમી વિચારશ્રેણી તેને સ્વાભાવિક થઈ પડી હતી. ધણીને જ નહિ પણ પાડોશીને પણ જરૂર પડ્યે રસોઈ કરી જમાડવાની જંજાળભરી માન્યતામાં તે ઊછરી હતી. પરાશરની આસપાસ ફરી લટુડાં કરતી એકેય ચપલાએ પરાશરને પૂછ્યું નહિ હોય કે તે ભૂખ્યો તો નથી ! રતન પરાશરની ઓરડી આગળ પાછી ગઈ. ઝટ પડોશીનું બારણું ખોલી નાખતી આ મજૂર યુવતીને યાદ આવ્યું કે નવીન નારી ખટકારો આપ્યા પછી જ બારણાં ઉઘાડે છે. તેણે નવીનતાનું અનુકરણ કર્યું. બારણું ખખડાવ્યું અને અંદરથી ‘આાવો’નો સાદ સંભળાયો ત્યારે જ તે ઓરડીમાં ગઈ.