પૃષ્ઠ:Shobhana.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨: શોભના
 

ઓરડીમાં પેલી ચોંટી રહેલી યુવતી હજી ચોંટી જ રહી હતી.

રતને પૂછ્યું : ‘હજી બેઠાં છો કે શું બહેન ?

‘હા; પરાશર જોડે વાતો કરું છું.’

‘એને કાંઈ પાટોબાટો બાંધ્યો નહિ ?’

‘હું તો વાતમાં ભૂલી જ ગઈ કે એને વાગ્યું છે ! પણ લાવો, હું સરસ પાટો બાંધી આપું : "ફર્સ્ટ એઈડ"[૧] મને આવડે છે.’

પરાશરની ઓરડીમાં પાટો નહોતો. રતન હાથરૂમાલ રાખતી નહિ, અને રંભાના હાથરૂમાલ-હેન્કી-પાટા માટે ઘણા જ નાના પડે એવા હતા.

‘હશે, હમણાં જરૂર નહિ પડે. જરૂર પડશે તો હું કૈંકથી લૂગડું ફાડી લાવીશ.’ રતને કહ્યું.

“પણ એને સાબુથી ધોઈ સ્વચ્છ બનાવજો. ઊના પાણીમાં ઉકાળજો પણ ખરાં.’ રંભાએ કહ્યું.

‘કોને ઉકાળું ?’ રતનને સમજ ન પડી એટલે પૂછ્યું.

‘પાટાને વળી ! બીજા કોને ?’ સહજ હસી રંભા બોલી.

રતન રંભાના હાસ્ય તરફ સહજ જોઈ રહી, અને પછી બોલી : ‘બીજાં એક બહેન પણ હમણાં આવી ગયાં.’

‘અહીં તો કોઈ આવ્યું નથી.' રંભા બોલી.

‘બારણે કાન દઈ ચાલ્યાં ગયાં લાગે છે.' પરાશર અને રંભા પરસ્પર સામું જોઈ રહ્યાં. રંભાએ પૂછ્યું :

‘નામ કહી ગયાં છે ?”

‘તમારાં તો નામે બહુ ગોટાળિયાં ! ગંગા, જમની, કાશી કે જડી જેવું નામ હોય તો સાંભરે પણ ખરું. આ તો તેમણે કહ્યું તોય. હું ભૂલી ગઈ !’

‘વિની તો નહિ ?’

'ના.'

‘તારિકા ?’

‘ના, એવું તકતકતું નામ નહોતું; જરા ભારેખમ નામ લાગ્યું.’

‘શોભના ?’

‘હા, હા, શોભના જ. મિજાજ ભારે !’ રતને કહ્યું.


  1. *તાત્કાલિક સારવાર