પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થશે તે કરી છૂટીશ. મારે વાઘના મોંમાં માથું મૂક્વાનું છે. પણ કોઈ મા ગુર્જરીનો સપૂત મોતથી ડરતો નથી.'

મહારાજ સિદ્ધરાજે કહ્યું : 'મંત્રીરાજ ! તમારી બુદ્ધિને ત્રણ દિવસની મુદત આપું છું. તમારી રાહ જોઈશું. ત્રીજા દિવસની સાંજ નમશે, તે પછી અમે કેસરિયાં કરીશું - આ પાર કે પેલે પાર !'

'જેવી આજ્ઞા !' ને મહામંત્રી મુંજાલ સભામાંથી બહાર ચાલ્યા ગયા. થોડી વારમાં તો છાવણીમાંથી પણ ગુમ ! કંઈ પત્તો જ નહિ ! ક્યાં ગયા ? ક્યાં રહ્યા ? પણ સહુને પાટણના સેવકોમાં ભારે પતીજ હતી : નક્કી કંઈક માર્ગ નીકળી આવશે, ન મધદરિયે સપડાયેલું વહાણ બહાર નીકળી જશે.

એક દિવસ વિત્યો ! કંઈ સમાચાર નહિ.

બીજો દિવસ વીત્યો ! કંઈ ખબર નહિ.

દિવસ વરસ જેટલો લાંબો જતો હતો.

ત્રીજે દિવસે ઊગ્યો. આ છેલ્લો દિવસ હતો ! આજ જીવનનાં સરવાળા-બાદબાકી થઈ જવાનાં હતાં. આજના આકાશમાં ભાગ્યના લેખ લખાવાના હતા.

મહારાજ જયસિંહદેવે સવારથી તૈયારીઓ કરવા માંડી હતી. કેસરિયાંની વાતમાં રજૂપતને ખૂબ આનંદ હોય છે. મહારાજાએ વહેલાં વહેલાં પૂજાપાઠ પતાવી લીધાં, અને ભસ્મનું તિલક કરી એ બહાર નીકળ્યા. છેલ્લી મુલાકાતો કરી લીધી. યોગ્ય સૂચનાઓ પણ આપી દીધી. લડાઈમાં મોત થાય તો પાછળ શું કરવું, એ પણ હેવાઈ ગયું હતું !

ઘડીએ ઘડી ભારે વીતતી હતી.

લશ્કરને સવારથી તૈયાર રાખવામાં આવ્યું હતું. ગુર્જર સેના- પતિઓ સંદેશાની વાટ જોતા હતા. આજ સ્વામીભક્તિ પર શીશકમળ ચઢાવવાની એમને હૈયે હોંશ હતી.

સૂરજ મધ્ય આકાશમાં આવ્યો. માટીના એક બુરજ પર ચઢી મહારાજ સિદ્ધરાજ ધારાના કિલ્લા પર નજર ફેરવી રહ્યા હતા, ત્યાં એકએક અજાણી દિશામાંથી એક તીર આવ્યું; આવીને મહારાજના પગ આગળ પડ્યું!

૯૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ