પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સીમમાં એક ખેડૂત રોટલા ખાય. સરદારોએ વિચાર્યું કે જુવાન રાજા ભૂખ્યો થયો હશે. રોટલો તો રોટલો ! કંઈક પાણી પીવાનો જોગ કરીએ.

સરદાર કર્ણસિંહે ખેડૂત પાસે રોટલો માગ્યો. ખેડૂતે તો રોટલો ઝટ દઈને ધરી દિધો. તલવારવાળા સાથે રકઝક ખોટી. ભૂંડાથી ભૂત ભાગે. એ બોલ્યો : 'લો બાપ ! હોંશે-હોંશે જમો. કોઈ દહાડો ચોર જમે, કોઈ દહાડો શાહુકાર જમે ! રાંધનારને ધુમાડો રહે.'

જુવાન રાજા કહે : 'જ્યાં સુધી એના રોટલાના આંચકનારને વશ ન કરું ત્યાં સુધી એનો રોટલો મારાથી ન ખવાય. હું લૂણહરામ ઠરું. ભાઈ ! તેં બાબરાને જોયો ?'

'હોવે બાપ ! પણ એનું નામ મૂકો.'

'મને ઠેકાણું તો બતાવો.'

'એનું ઠેકાણું શું બતાવવું ? જલચર-ભૂચર-ખેચર ! જે ગણો તે. એક અચરજ કહું ? આ ઝાડને કહો કે મારે બાબરાને મળવું છે. ઝાડ પોતે પાંદડું મોકલી સંદેશો કહાવશે. અને થોડી વારમાં બાબરો પોતે હાજર જશે ! એ સિદ્ધ છે. કેટકેટલાં દેવ-દેવી એને હાજરાહજૂર છે. માતા જોગણીઓ એની પાસે ગરબા લે છે. ચૂડેલ, ડાકણ, તો એની વાંસે-વાંસે ફરે છે.'

જુવાને બીજું કંઈ ન સાંભળ્યું. એ ભૂત-બૂતમાં માનતો નોતો. સંસારમાં માણસ મોટો છે. માણસ માણસાઈમાં રહે, મરદાઈ રાખે તો દેવ પણ એની પાસે છોટો છે. એણે તો પાસેના આંબાના ઝાડને કહ્યું, કે મારે બાબરાને મળવું છે. મારી પ્રજાને કાં પીડે ? આટલો સંદેશો ઝાડને આપી એણે ઘોડાં આગળ હાંક્યાં.

હવે તો મોટાં મોટાં કોતરો આવતાં હતાં. બપોર વીતી ગઈ હતી, ને સાંજ પડતી હતી.

જયસિહે મોંમાં અન્નનો દાણોય મૂક્યો નહોતો.

અને રાજા ન ખાય તો બીજાથી કેમ ખવાય ? પાછળ ચાલતા આ રાજમંડળે ઘણા રાજાને વેઠ્યા હતા, પણ આ તો ભારે હઠીલો ! ભારે જક્કી ! પોતાની વાત મૂકે નહીં. કોઈનું કંઈ સુણે નહીં !

બધા થાક્યા હતા; આડાઅવળા થતા હતા; ધીરા ધીરા ચાલતા હતા.

પાટણનું પાણી હરામ ᠅ ૧૩