પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નગરજનો તો બંબભાટની પાછળ ચાલ્યા. એમને ખૂબ રસ આવ્યો હતો.

એક મંદિર બતાવતાં બંબભાટે કહ્યું :

'આ યોગીશ્વરીનું મંદિર. મહારાજ યોગરાજે બંધાવેલું. યોગરાજ વનરાજ ચાવડાના વારસ. આ વખતે કેટલાક વેપારીઓનાં વહાણ પ્રભાસ બંદરે તણાઈ આવ્યાં. ચાવડા મૂળ તો દરિયાઈ લૂંટારા. વનરાજે ઘણા સુધાર્યા હતા, પથ્થરમાંથી માણસ ઘડયા હતા, પણ લોહીમાં ચોરીનો અંશ બાકી હતો. યોગરાજના કુંવર ક્ષેમરાજે વહાણ લૂંટ્યાં. લૂંટાયેલા વેપારીઓ રાજદરબારમાં ફરિયાદે આવ્યા. રાજા યોગરાજે તપાસ કરી. ક્ષેમરાજ ગુનેગાર ઠર્યો. એને સજા કરી. પ્રજા આડી પડી, કહે કે કાયદો પ્રજા માટે હોય ! યોગરાજ કહે કે જે કાયદા કરે એણે કાયદા પહેલાં પાળવા ઘટે. આખરે આ મહાન રાજાએ પોતે પોતાની જાત પર સજા ખમી લીધી : ચિતા ખડકાવી એ રાજા બળી મૂઓ. એનું આ સ્મૃતિમંદિર છે !'

'વાહ યોગરાજ, વાહ ! ત્યાગ આનું નામ ! આપભોગ આનું નામ !જનમેદનીએ પોકાર કર્યો.

પાટણનું પાણી હરામ ᠅ ૨૩