પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


 'સારા રાજાઓ અંધારપછેડો ઓઢી, રાતે પ્રજાનું નિરીક્ષણ કરવા નીકળે છે. રામ એમ કરતા. વિક્રમ એમ કરતા. મારે પણ નીકળવું છે. પ્રજાના આચાર જોવા છે. પ્રજાના વિચાર જાણવા છે. પ્રજાનાં સુખ જાતે જોવાં છે. પ્રજાનાં દુ:ખ જાતે નિહાળવાં છે. મારી પ્રજાની હું ખબર ન લઉં તો કોણ લે ? એવાં કામોમાં મંત્રી પછી, સેનાપતિ પછી, પહેલો રાજા.'

સાંતૂ મંત્રી કહે : 'બહુ સારી વાત છે. અબઘડી નીકળીએ.'

રાત જામી. રાજા અને મંત્રી બહાર નીકળ્યા. શેરી, હાટ, ગલી, હવેલીઓ જોતા ને વટાવતા આગળ વધ્યા.

જતાં-જતાં એક ઘરના આંગણામાં થોભ્યા.

ઘરની બહાર ભીડ જામી હતી. ઘરમાં કોઈ માંદું હતું. સગાંવહાલાં બેઠાં હતાં. એક જુવાન સ્ત્રી ખૂણામાં બેઠી-બેઠી રડતી હતી.

રડે તે કેવું રડે ? આકાશ કાણું કરી દે. પથ્થરને રોવું આવે.

સિદ્ધરાજ નજીક ગયો. થોડી વાર બારણે ઊભો રહ્યો. પછી એણે પૂછ્યું : 'શું છે ? કોઈ માંદું છે ?'

ઘરના વડીલે જવાબ વાળ્યો : 'હા ભાઈ રપ વરસનો જુવાનજોધ દીકરો છે. છ મહિના પરણ્યે થયા છે. ન જાણે કેવો રોગ થયો છે !'

‘તે કોઈ સારા વૈદ્યને બતાવો ને !' સિદ્ધરાજે કહ્યું.

'પાટણમાં એક જ વૈદ, બાકી બધા ઊંટવૈદ.'

'તે એને બોલાવો ! શું નામ એનું ?'

'લીલો વૈદ. પણ એ બોલાવ્યે ક્યાં આવે છે ? રાજમહેલ સિવાય બીજે નહીં જવાનું એણે નીમ લીધું છે ભાઈ ! આ તો શેરડી પાછળ એરંડી સુકાણી છે.' ટોળામાંના એક માણસે કહ્યું.

'એમ કેમ ? શું રાજમહેલમાં જ માણસ રહે છે ને બીજે મડાં રહે છે? વૈદનો ધર્મ તો રાય-રંકની સમાન ભાવે સેવા કરવાનો છે.' સિદ્ધરાજે કહ્યું.

'વાત સાચી છે, પણ એમાં વૈદનોય વાંક નથી.'

'તો કોનો વાંક છે ?'

૩૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ