પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ઘરના એક ઘરડાએ આ ટકટકથી કંટાળીને કહ્યું 'ભાઈ, હવે તું તારે રસ્તે જા ને ! મોટો પરદુ:ખભંજન વિક્રમ ન જોયો હોય તો ! પાડાપાડીની તારે નકામી શી પંચાત !'

'કહો તો હું વૈદને અબઘડી બોલાવી લાવું.'

'એમ કે ? પણ તું છે કોણ ?' ઘરડા વડીલે આશાભરી રીતે પૂછ્યું.

'હું સિદ્ધરાજનો મિત્ર જીવરાજ છું. બધી વાત મને કહો'

ડૂબતો માણસ તણખલાને પકડે. બીમાર જુવાનનાં સગાંએ કહ્યું :

'વાત ખાનગી રાખો તો કહું, નહિ તો કાલે અમારું મોત આવે ! પડતાં પર પાટુ પડે.'

'જૈનના પારસનાથના ને શૈવના ભગવાન શંકરના સોગનથી કહું છું. તમે ખુલ્લા દિલે કહ્યું. મારો મિત્ર કોઈના બાપની રાખે તેવો નથી.'

'ભાઈ ! એ સાચું, પણ સિદ્ધરાજ તો નામનો રાજા છે. અત્યારે પાટણમાં ખરું રાજ મામાનું છે.'

'કોણ ? મામા મદનપાલ ?'

'હા. રાણીમાતા ઉદયમતીના ભાઈ. રાજમાતા મીનલ કંઈ બોલી શકતાં નથી, ને રાજા સિદ્ધરાજ તો હજી છોકરું છે, એટલે એ ફાટ્યો છે. પાટણમાં એનો હેડકોરડો વાગે છે.'

'અરે ! પણ સિદ્ધરાજ કેવો બળવાન છે ? બાબરો ભૂત વશ કર્યો તોય મામો એનાથી ડરતો નથી ?'

‘વનના વાઘને વશ કરવો સહેલો છે, પણ શહેરના સાપને પકડવા ભૂંડા છે. વાત એવી છે કે આ મામાએ એક વાર લીલા વૈદને પોતાને ત્યાં બોલાવ્યા. કહ્યું કે મારો રોગ પારખો. વૈદે નાડી જોઈ, પણ રોગ ન પરખાય. મામો કહે,મારો રોગ જુદો છે. પાણીમાંથી પૈસા પેદા કરો છો, ધૂળનું ધન કરો છો, મૂળિયાંમાંથી સોનું રળો છો, તો લાવો સોનૈયા ! મારો રોગ સુવર્ણભસ્મથી જાય તેવો છે. વૈદે હા-ના કરવા માંડી, તો શરીરે જળો ચોટાડી. તોય ન માન્યા, તો ઊધઈના રાફડા પર બેસાડ્યા. પછી કહે, હાથીના પગે કરીશ. પાટણમાં મને પૂછનાર કોઈ પાક્યો નથી, વૈદરાજ ! નાહક જીવના જશો ને પાછળ તમારી

મામો મર્યો ᠅ ૩૧