પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સવારે રા'ખેંગાર આવ્યો. ગુજરાતનું લશ્કર આવી રહ્યું છે, એની વાત કરવા એ આવ્યો હતો. 'એમાં તારા ઓળખીતાં કેટલાં ?' એ પૂછવા આવ્યો હતો. 'બારમી વાર સધરાને હરાવી તારી મોજડી જાળવવા જેસંગને નોકર રાખશું' એમ કહેવા આવ્યો હતો.

પણ જોયું તો ભાણેજ અને મામી ! ગજબ થયો.

ખેંગારે પડકારો કર્યો : 'ઓ કૂતરા !' અને તલવાર ખેંચી. પડકાર સાંભળી દેસલ જાગી ગયો. કૂતરાની સામે ઘેરાયેલા સસલા જેવી એની સ્થિતિ થઈ. એણે ધ્રૂજતાં ધ્રૂજતાં કહ્યું :

'મામી તો મારે મા બરાબર છે. દારૂની આ મોકાણ છે.'

ખેંગાર કહે : 'જા રે લબાડ ! અબી ને અબી અહીંથી નીકળી જા. તારું કાળું મોં મને હવે બતાવીશ નહિ !'

દેસળ કહે : 'પહેલો ગુનો તમારો છે. તમે દારૂ પાયો, માટે પહેલી સજા તમને. બીજો દોષ દારૂનો છે. શા માટે ચDયો ? માટે એને દેશનિકલ કરો. ત્રીજો દોષ મામીનો છે. એણે સાચવીને કાં ન પીધો ? માટે મામીને સજા કરો. ચોથો ગુનો મારો. ત્રણને સજા કરો પછી મને સજા કરો ! ત્રણનાં માથાં કાપો તો ચોથું મારું કાપો.'

પણ રા'ખેંગાર તેનું ભાષણ સાંભળવા તૈયાર નહોતો. એણે કહ્યું : 'જાય છે કે પછી અહીં ને અહીં પૂરો કરું ?'

દેસળ કહે : 'મામા ! માથે લડાઈનાં નગારાં વાગે છે. પહેલો મને મેદાને ધકેલજો, પહેલો હું મરીશ.'

ખેંગાર કહે : 'કૂતરા ! હું તારું કંઈ સાંભળવા માગતો નથી. અહીંથી ચાલતો થા !'

દેસળ કહે : 'મામા ! ઘર ફૂટે ઘર જાય. મને વિભીષણ ન બનાવો. આ સોનાની લંકા લૂંટાઈ જશે. જાદવાસ્થળીની વાત ન ભૂલો.'

પણ ખેંગારને હાડોહાડમાં ક્રોધ વ્યાપી ગયો હતો. એણે લાત મારીને દેસલને કાઢી મૂક્યો.

દારૂએ દાટ વાળ્યો ᠅ ૪૯