પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ચોરની સાથે ઘંટીચોરને પણ સજા હોવી ઘટે : દેસલ સાથે વિસલને પણ દેશનિકાલો આપ્યો.

રાણીએ કહ્યું : 'માથે શત્રુ ગાજે છે. વહાલામાં વિખવાદ ન કરો !'

પણ માને તો ખેંગાર નહિ.

ખેંગારે કહ્યું : 'રાણક ! આવાં સો શિયાળિયાંથીય તારો રા' ડરતો નથી.'

રા'ની વહુ તે રાણક.

દેસલ-વિસલ સીધા પહોંચ્યા સિદ્ધરાજ પાસે.

સિદ્ધરાજ તો ઊંઘતો નથી. એને તો ખાવું-પીવું હરામ થઈ ગયું છે.એ રોજ-રોજ મંત્રીઓની સભા ભરે છે; રોજ વિચાર કરે છે; રોજ ગુપ્તચરોની બાતમી સાંભળે છે; રોજ નવા-નવા રસ્તા શોધે છે; પણ ગિરનારનો ગઢ અડોલ છે !

ખરાખરીનો ખેલ થઈ ગયો છે. આબરૂનો સવાલ થઈ ગયો છે. સિદ્ધરાજની આ પહેલી ચઢાઈ છે. પહેલો કોળિયો ભર્યો છે, એમાં જાણે માંખ આવીને પડી છે !

સિદ્ધરાજ પાછો ફરવા માગતો નથી. પાછા ફરવું, એ એના સ્વભાવમાં જ નથી. એ મરવા કે મારવા તૈયાર બેઠો છે.

ત્યાં ગુપ્તચરો દેસલ-વિસલને તેડીને આવ્યા.

સિદ્ધરાજે એની વાત સાંભળીને કહ્યું : 'ખાતરી આપો. શત્રુ પર વિશ્વાસ નહિ. આખરે એ તમારો મામો છે. સગાનાં હાડ હસે ને લોહી તપે.'

વિસળ કહે : 'શ્રીકૃષ્ણના વારાથી ભાણેજ મામાને હરાવતા આવ્યા છે. તમે ભાગ્યશાળી છો, રાજા ! સોરઠની રાજલક્ષ્મી તમને સામે પગલે તિલક કરવા આવી છે. મોં ધોવા ન જશો. ચાલો, સેના સાબદી કરો. ગઢમાં પેસવાનો રસ્તો બતાવું.'

સિદ્ધરાજ કહે : 'તમે બતાવો એ રસ્તે અમે જઈએ. બાકી ત્યાં સુધી તમે કેદમાં : હાથે બેડી, પગે જંજીર.'

૫૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ