પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સોમનાથની તો શ્વાસોશ્વાસમાં ઝંખના હતી. પણ દીકરા ! અહીં આવ્યા પછી એ સ્વપ્ન ભાંગી ગયું. ખબર પડી કે પાટણ અને સોરઠ વચ્ચે ઝઘડો ચાલે છે, માથાવઢ વેર ચાલે છે. એ પતે નહિ ત્યાં સુધી સુખે જાત્રા થાય નહિ. લાખની યાત્રા કરવા જઈએ, ને લોહી વહાવીએ, એનો કંઈ અર્થ નહિ. હું રોજ મનમાં સોમનાથ દેવને પ્રાર્થના કરતી હતી કે ક્યારે રૂડો દહાડો દેખાડે ને હું યાત્રાએ આવું ! આજ એ રૂડો દાડો ઊગ્યો !

'દીકરા ! હું તો કાલે જ રવાના થવા ચાહું છું.' માતાએ વર્ષોથી મનમાં સંઘરી રાખેલી વાત પુત્ર પાસે મૂકી દીધી.

સિદ્ધરાજે કહ્યું : 'માતા ! તમે રવાના થાઓ. તમે અડધે ગયાં હશો ને હું આવી પહોંચીશ.'

તરત તૈયારીઓ થઈ ગઈ.

પંડિત-પુરોહિતોને નોતરાં આપી સાથે લીધા.

લાવ-લશ્કર સાથે લીધું.

સવા લાખનો પૂજાપો લીધો. તુલાપુરુષ દાનને ગજઘન પણ સાથે લીધાં.

રાજમાતાની સવારી આગળ વધી. ઠેર ઠેર પડાવ નાખતા જાય, આસપાસનો પ્રદેશ જોતા જાય ને આગળ વધતા જાય.

સાથે ગામેગામથી લોકો સંઘ લઈને નીકળે. સંઘમાં સંઘ મળી જાય. યાત્રા માટેનો આવો સારો સથવારો ક્યાંથી મળે ?

મીનલદેવી તો મહા ચતુર; ચારે તરફ ધ્યાન રાખ્યા કરે : ભૂમિ ક્વી છે? ઊપજ કેવી છે ? માર્ગ ક્યા છે ? વિસામા કેવા છે ? માર્ગમાં કૂવા છે કે નહિ ? બંદોબસ્ત છે કે નહિ? જાત્રાળુને અને વટેમાર્ગુને સગવડ કેવી મળે છે ?

રાણી બધું જોતાં જાય અને આગળ વધતાં જાય !

રસ્તામાં યાત્રાળુ મળે, એની પાસેથી બધી વાતો સાંભળતાં જાય. યાત્રા તો એક અભ્યાસ છે. આમ યાત્રાનો ઉમંગ વધારતાં જાય.

એક દહાડો ભોલાદ (બાહુલોદ) નામના ગામે કેટલાક કાપડી લોકો મળ્યા. એ ઢીલા-ઢીલા હતા. એમના પગ પાછા પડતા હતા. રાજમાતાએ પૂછ્યું : 'કેમ, યાત્રા કરી ?'

૬૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ