પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સુજ્યા કહે : 'હું રંક ભિખારી છું. મોંમાં વ્રત છે. જવા દો !'

ઘણિયો કહે : 'ન જોઈ હોય તો વ્રત કરનારી ! પાસે તાંબિયા ન હોય તો તીરથ કરવા ન નીકળીએ ! ઘરને જ તીરથ માનીએ !'

સુજયા કહે 'વાત સાચી છે. પણ દેવનાં દર્શન કર્યા વગર ઉપવાસ ન તોડવાનું નામ લીધું છે. ભલો થઈને જવા દે. ભગવાન તારું ભલું કરશે.'

દાણિયો કહે : 'અમારો ભગવાન પૈસો. એ હોય તો તારુંય ભલું થાય અને અમારુંય થાય.'

કોઈ વાતે દાણિયો ન માન્યો. સુજયાને પાછી કઢી. એ નિરાશ થઈને ઘેર આવી. આ ઘા એને એવો લાગ્યો કે એ માંદી પડી ને સોમનાથના દર્શનની તાલાવેલીમાં ગુજરી ગઈ.

મરતી વખતે એણે પ્રાર્થના કરી : 'હે ભોળા શંભુ ! મારા મનમાંથી મેં તને પલવાર વિસાર્યો નથી. તું દેવમંદિરમાં નહિ પણ મનમાં વસે છે ! જો મારાં વ્રત-નીમનું કંઈ ફળ હોય, તો આવતે ભવે આ અન્યાયી કરને દૂર કરનારી જન્મુ.'

એ સુજયા મરીને મીનલદેવી સરજાઈ !

પૂણ્યના પ્રતાપે રાજાને ઘેર જન્મી. કર્મસંજોગે ગુજરાતની રાણી થઈ. સિદ્ધરાજ જેવા પરાક્રમી પુત્રની માતા થઈ.

અને સ્વપ્ન પૂરું થયું. મીનલદેવીની આંખ ઊઘડી ગઈ.

૬૪ ᠅ સિદ્ધરાજ જયસિંહ