પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 


બોતેર લાખનું દાણ માફ
 

કૂકડો બોલ્યો હતો. ઉગમણા આભમાં લાલ શેડો ફૂટી હતી. પંખી જાગ્યાં હતાં. ત્યાં મારતે ઘોડે અસવાર આવ્યો. એ વધામણી લાવ્યો હતો :

'બર્બરકજિષ્ણુ ગુર્જરપતિ મહારાજ સિદ્ધરાજ જયસિંહ નજીકમાં જ છે. ટૂંક સમયમાં માતાની ચરણસેવામાં હાજર થશે.'

માતા મીનલદેવી હમણાં જ જાગ્યાં હતાં. એમણે આ સંદેશો સાંભળી હુકમ કર્યો :

'ચાલો, આપણી તીર્થસવારી પાછી ફેરવો.'

'કંઈ કારણ, માતાજી ?' સાથેના સરદારે પૂછ્યું.

'મારે યાત્રા નથી કરવી. મને કોઈ કાંઈ વધુ પૂછશો નહિ.' રાજમાતાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. એમની આંખના ખૂણા ભીના દેખાતા હતા. હૃદય વેદનાથી એટલું ભરાઈ ગયું હતું કે મોં દ્વારા વેદના બહાર ઠાલવી શકાતી નહોતી.

આ પછી કોઈ કંઈ બોલ્યું નહિ કે કોઈ કંઈ ચાલ્યું નહિ.

બોતેર લાખનું દાણ માફ ᠅ ૬૫