પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મીનલદેવી કહે : 'મહાઅમાત્ય સાંતૂદેવ તો ગુજરાતના વફાદાર મંત્રી છે. આ દેશમાં બીજા એવા અમાત્ય નથી. તારા પિતા નાની ઉંમરમાં ગુજરી ગયા. હું રાજની બિનઅનુભવી. રાજ જાળવ્યું હોય તો આ સાંતૂ મંત્રીએ. આ રૂડા દાડા દેખ્યા હોય તો સાંતૂ મંત્રી અને પાટણના બીજા મંત્રીઓને આભારી છે.'

'મા ! મંત્રીએ ધણીની હજાર સેવાઓ કરી હોય, તો એનો બદલો લાગે, પણ ધણીનું માથું તો ન કાપે !'

મીનલદેવી પાસે જઈને રાજાને પંપાળતાં ધીરેથી બોલ્યાં : 'વત્સ ! એણે જે કર્યું હશે, એ રાજના હિતમાં કર્યું હશે. એક ખાનગી વાત કહું તારા પિતાને હું અણગમતી હતી. હુંય તારી જેમ માનનું ઘોયું હતી. જીવવું તો માનથી, નહિ તો મોત સારું. હું તો બળી મરવાની તૈયારીમાં હતી. આ મંત્રીએ અને રાજમાતા ઉદયમતીએ મને ધીરજ આપી, અને રાહ જોવા કહ્યું. આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું. રાજાને નીતિ પર ચલાવનાર એ જ મંત્રી હતા. એ ન હોત તો બેટા, તું પણ ન હોત. અમારો મનમેળ કરાવનાર એ હતા. પાટણના સેવકોની વફાદારીમાં શંકા, એ પોતાની જાત તરફની શંકા છે. માંડીને મને વાત કહે.'

સિદ્ધરાજ માતાની વાત સાંભળી કંઈક ઢીલો પડ્યો. એ બોલ્યો :

'મા ! દૂત સમાચાર લાવ્યો છે. માળવાનો રાજા નરવર્મા લાગ જોઈને બેઠો હશે. આપણે આમ આવ્યાં અને એ પાટણ પર ધસી ગયો. આજુબાજુના ગામડાંને હેરાન કરવા લાગ્યો.'

મીનલદેવી કહે : 'માળવાના રાજા હજી મન મેલું જ રાખી રહ્યા છે. એને ખોડ ભુલાવવી પડશે. હાં, પછી શું બન્યું ?'

સિદ્ધરાજ કહે : 'મહામાત્યે માલવપતિને કહેવરાવ્યું કે તમારે રાજ જોઈએ, તો દરેક ગુજરાતી બચ્ચો લડવા તૈયાર છે; એમાં કંઈ સાર કઢશો નહિ; વળી બિલાડીના જેવા છાનામાના ઘી ચાટનાર કહેવાશો એ વધારામાં. તમારે ધન જોઈએ, તો પાટણ તમને ધન પૂરું પાડવા તૈયાર છે.'

'હાં, પછી માલવપતિએ શું કહ્યું ?' મીનલદેવીએ પૂછ્યું.

'એણે કહ્યું : મારે ધન જોઈએ છે, ધન આપો તો પાછો ફરી જાઉં. મહામંત્રીએ પાટણના ખાધવાળા ખજાનામાંથી અને પાટણના શ્રીમંતોના

વગર તલવારે ઘા ᠅ ૭૩