પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પટ્ટણીઓ તૈયાર હતા. પણ માત્ર ઉત્સાહ કે ભક્તિથી લડાઈ જિતાતી નથી. અને એક વખત લડાઈ જાહેર કર્યા પછી તરત સમેટાતી પણ નથી. સો વાર વિચાર કરીને પગલું ભરવું; અને ભર્યા પછી પાછું ન મુકાય એ જોવું. આ અંગે સલાહ લેવા લાયક અહીં કોઈ નહોતું. મેં મારા મનની સલાહ લીધી. મને લાગ્યું. કે એક રાતે વહાણું વાશે નહિ, એટલે મેં પાટણના લાખેણા જુવાનોનું લોહી વહેવરાવવાને બદલે સંધિ કરી. મહારાજ ! હવે આપ આજ્ઞા આપો તે મને પ્રમાણ છે !'

સિદ્ધરાજે કેસરી સિંહ જેવી ગર્જના કરતાં કહ્યું : 'મહામંત્રી ! કેસરિયાં કરવાં હતાં ને ? રજપૂતો દેહમાં જીવતા નથી, યશમાં જીવે છે.'

મહામંત્રી બોલ્યા : 'હું લડવૈયો છું, પણ વૈશ્ય છું. કેસરિયાં કરવાં મને ન સૂઝે ! નહિ તો આપ જાણતા જ હશો કે ગિજનીના સુલતાન સામે લડવા ગુજરાતી સેનાને સિંધુ સુધી દોરનાર આપનો આ સેવક જ હતો. માત્ર મરવામાં બહાદુરી નથી; મરવાથી કંઈ અર્થ સરતો હોય, તો એક પણ ગુજરાતી પાછી પાની ન કરે.'

સિદ્ધરાજ રોષમાં હતો. એ મહાઅમાત્ય જેવાનું ભરસભામાં અપમાન કરી બેસશે, એમ સહુને લાગ્યું. એને માટે માન ખોવા કરતાં જીવ ખોવો ઉત્તમ હતો.

સિદ્ધરાજ કંઈક અવિચારી બોલી ન બેસે, કંઈ અવિચારી નિર્ણય ન લઈ બેસે, એ માટે મીનલદેવી બોલ્યાં :

'સિદ્ધરાજ ! પેલું નીતિસૂત્ર તો તું ભણ્યો જ છે. વત્સ ! જ્યાં વૃદ્ધો નથી, એ સભા નથી. જે ધર્મપૂત બોલતા નથી, એ વૃદ્ધ નથી. જેમાં સત્ય નથી, એ ધર્મ નથી. અને જે વ્યવહારુ નથી, એ સત્ય નથી !'

સિદ્ધરાજ જંજીરથી જકડાયેલા કેસરીની જેમ બૂમ પાડી ઊઠ્યો : 'મા ! મને પાછો ન પાડ !'

મીનલદેવી કહે : 'સાચી મા સાવજને ખડ ખાવાનું ન કહે. બેટા ! ગુર્જરેશ્વરનાં ઘોડાં સિંધુનાં પાણી પીતાં હતાં અને હજી પણ પીશે. દે નગારે ઘાવ ! શું કરવા વાર કરે છે ?'

સિદ્ધરાજ સભામાં તલવાર ખેંચીને ઊભો થઈ ગયો અને બોલ્યો :

વગર તલવારે ઘા ᠅ ૭૫