પૃષ્ઠ:Snehashristi.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ જીત્યું?: ૯૩
 

વાત પણ ન થાય… લાજી મરાય, બાપ !’

જ્યોત્સ્ના કોણ જાણે કેમ, આજે જવાબ આપવા તત્પર બની રહી હતી ! સ્ત્રી અને પુરુષ વચ્ચે જાતીય સંબંધ હોઈ શકે એવી કલ્પના આછી સરખી પણ વ્યક્ત કરવી એ ગૃહસ્થ-ઘરમાં ન જ શોભે. એ જ ગૃહમાં એથી આગળ વધી સ્ત્રીવેચાણ જેવી ફાટેલી વાત કરવી એ તો અસભ્યતાની પરાકાષ્ઠા ! ઉપરાંત આવી વાત યુવાન પુત્રી માતા સાથે કરે અને એ વાતને વધારે, એ તો તદ્દન અસહ્ય પરિસ્થિતિ ! વધારામાં માતાની શિખામણનો એણે આ ઉત્તર આપ્યો :

‘મા ! જેની વાત પણ ન થાય એ બનવા દેવાય ખરું ?…’

રાવબહાદુર એકાએક ઊભા થઈ ગયા. યશોદાબહેનનો તો પુત્રીની વાતચીત આગળ વધતી એકદમ અટકી જવી જ જોઈએ એવો ગંભીર નિશ્ચય કરી ઊભા થયેલા રાવબહાદુરે એકાએક કહ્યું :

‘ચાલ જ્યોત્સ્ના ! આપણે બેડમિન્ટન રમીએ… બહુ દિવસથી તું મારી સાથે રમી નથી. જો, તૈયાર કર… અમે આવીએ છીએ.’

જ્યોત્સ્ના ઊભી થઈ. સુરેન્દ્ર એના ખંડમાં જ્યોત્સ્નાની રાહ જોતો બેઠો હતો એનું જ્યોત્સ્નાને ભાન હતું. એનું નામ દઈને જવામાં માતાપિતાની વૃત્તિ વધારે દૂભવવા જેવું થશે એમ તેને લાગ્યું. એને ગમ્યું તો નહિ, છતાં બેડમિન્ટનની રમત માટેની તૈયારી કરવા એ ખંડની બહાર નીકળી હતી.

યશોદાબહેને નીતિમય જીવનની અતિશયતામાં ફરી કમકમી ખાધી. તેમનો હાથ ઝાલી તેમને ઊભાં કરતાં રાવબહાદુરે કહ્યું :

‘હજી દુનિયાનો એને અનુભવ નથી… પોતાની મેળે જ ઠેકાણે આવશે.’

‘એનું ભણતર હવે બંધ કરો, હોં ! નહિ તો વાત હાથથી જશે.’ જીવનમરણનો પ્રશ્ન હોય એવા ગાંભીર્યથી એમણે પુત્રીની ચિંતા વ્યક્ત કરી.

રાવબહાદુર પોતે પણ જરા ચિંતામગ્ન બન્યા હતા. પરંતુ એક પુરુષ તરીકે હિંમત રાખી હતી. તેમણે યશોદાબહેનને બેડમિન્ટનની રમત તરફ દોર્યાં.

ધનિકોની રમત સુલભ અને સરળ બનાવવા માટે જોઈએ એટલા નોકરો હોય છે. નોકરોએ ક્યારનીયે એ રમત માટેની તૈયારી કરી રાખી હતી જ્યોત્સ્નાએ આવી રૅકેટ તથા ફૂલ તપાસ્યાં; રાવબહાદુર તથા