પૃષ્ઠ:Snehashristi.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વીંટીનો ઘા
 

કે એમ જ થવાનું છે !’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘જ્યોત્સ્નાગૌરી ! મને માફ કરો. આજનાં ભણતાં યુવકયુવતીઓને સહુ કોઈ જાણે છે. કોઈ દિવસ સહજ અભ્યાસની વાત કરતાં અમે ઊભાં હોઈશું ત્યારથી મિત્રોએ મશ્કરી શરૂ કરી છે. ને એમાં જ્યોત્સ્નાબહેન પણ સામેલ છે. લગ્ન પહેલાં તો મારે કમાવું છે, વિલાયત જવું છે, દેશને ઉપયોગી થઈ પડવું છે, પછી લગ્નનો વિચાર. આજ તો એનું સ્વપ્ન પણ નથી !’ કહી મધુકરે જ્યોત્સ્નાનાં માતાપિતા આગળ પોતાની વિશુદ્ધ જીવનકક્ષા સ્પષ્ટ કરી.

અંધારું થઈ જવા આવ્યું હતું. અંધારામાં બેસવાની ખાસ જરૂરતવાળાં પ્રેમીઓ સિવાય ફરવા આવેલાં માનવીઓ ધીમે ધીમે વિખરાતાં હતાં. રાવબહાદુરે અને યશોદાબહેને હવે પાછા જવાની તૈયારી કરી. જ્યોત્સ્નાએ ઊઠતાં ઊઠતાં કહ્યું :

‘મા ! આજે એક બહુ સરસ અંગ્રેજી ચિત્ર આવ્યું છે. આપણે બધાંય જોવા જઈશું ?’

‘તમારાં અંગ્રેજી ચિત્રોમાં તો મને કાંઈ સમજ પડતી નથી. આમ તો હવે હું “ટાઈમ્સ” પણ વાંચું છું. પરંતુ આ તમારા અંગ્રેજી ચિત્રોમાં પાત્રો શું બોલે છે એ સમજાતું નથી. જવું હોય તો તમે બે જણ જઈ આવો. કેમ ખરું ને ?’ કહી યશોદાબહેને પોતાના પતિની સંમતિ માગી ઘણી પત્નીઓ આજ્ઞાધારકપણું સાબિત કરી પોતાનું મનધાર્યું કરે છે; અને સંમતિ આપી ઘણા પતિ સ્ત્રીજાતિ પ્રત્યેની ઉદારવૃત્તિ અનુભવ્યાનો સંતોષ લે છે. રાવબહાદુરે મધુકર અને જ્યોત્સ્નાને એકલાં ચિત્રપટ જોવા જવા સંમતિ આપી. બહુ વિચારપૂર્વક, મધુકર સરખો આકર્ષક યુવક જ્યોત્સ્ના સિવાયની બીજી યુવતી સાથે ફરતો હતો એવા જ્યોત્સ્નાના કથને ઊભી કરેલી ચિંતાનો ઉકેલ માતાપિતાને મન એક જ હોઈ શકે : જ્યોત્સ્ના અને મધુકર વધારે સાથે રહે… વધારે એકાંતમાં !

લગ્નનો પ્રશ્ન સીધાસાદા માનવીઓને પણ રાજકારણમાં રીઢા બનેલા કાવતરાખોર મુત્સદ્દીઓ બનાવી દે છે.